પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે શુક્રવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય વાહનવ્યવહાર, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં દેશમાં પેટ્રોલ ખતમ થઈ જશે. તેમના આ નિવેદનને વાહનોથી વધી રહેલા પ્રદૂષણ અને ઇલેક્ટ્રિક વાહનોના ભવિષ્ય સાથે જોડવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં સરકાર ઇલેક્ટ્રિક વાહનોને સતત પ્રોત્સાહન આપી રહી છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મહારાષ્ટ્રના અકોલામાં ડૉ. પંજાબરાવ દેશમુખ કૃષિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં બોલી રહ્યા હતા. આ પ્રસંગે તેમને યુનિવર્સિટી દ્વારા ‘ડોક્ટર ઓફ સાયન્સ’ની પદવીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પેટ્રોલના વિકલ્પો વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વિદર્ભમાં બનેલ બાયો-ઇથેનોલનો ઉપયોગ વાહનોમાં થઈ રહ્યો છે. કૂવાના પાણીમાંથી ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરી શકાય છે. તેની કિંમત 70 રૂપિયા પ્રતિ કિલો સુધી હોઈ શકે છે.
ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરતાં તેમણે કહ્યું કે, ઘઉં, ચોખા, મકાઈનું ખેતરમાં ઉત્પાદન કરીને ભવિષ્ય બદલી શકાતું નથી. તેથી ખેડૂતોએ અન્નદાતા બનવાને બદલે ઉર્જા દાતા બનવાની જરૂર છે. ગડકરીએ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં દેશમાં પેટ્રોલ ખતમ થઈ જશે. ઇથેનોલ પર લીધેલા નિર્ણયથી દેશને વાર્ષિક 20,000 કરોડ રૂપિયાની બચત થઈ. એ દિવસ દૂર નથી જ્યારે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગ્રીન હાઇડ્રોજન, ઇથેનોલ અને સીએનજી પર ચાલશે.