ચાર વર્ષથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશમાં નવી રૂ.૨૦૦૦ની ચલણી નોટ છાપવાનું બંધ કર્યું હોવાથી કુલ ચલણમાં આ નોટનો હિસ્સો ઘટી રહ્યો છે એવી વિગત દેશની સેન્ટ્રલ બેંકના વર્ષ ૨૦૨૧-૨૨ના વાર્ષિક અહેવાલ ઉપરથી પ્રકાશમાં આવી છે. નવેમ્બર ૨૦૧૬માં દેશમાં રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની નોટ રદ્દ કરી તેને બેંકમાં ૬૦ દિવસમાં જમા કરાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ સમયે રદ્દ થયેલી નોટોનું પ્રમાણ ઘણું વધારે હોવાથી કેન્દ્ર સરકારે રૂ.૨૦૦૦ની નવી નોટ બજારમાં મૂકી હતી. જાેકે, વર્ષ ૨૦૧૮-૧૯ પછી રિઝર્વ બેંકે આ નવી નોટ છાપવાનું બંધ કરી દીધું છે. રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલ અનુસાર માર્ચ ૨૦૨૨ની સ્થિતિએ દેશના ચલણમાં કુલ નોટોમાં રૂ.૨૦૦૦ની નોટનો હિસ્સો ૧૩.૮ ટકા હતો જે આગલા વર્ષના ૧૭.૩ ટકા કરતા ઘટી ગયો છે.
માર્ચ ૨૦૨૨ની સ્થિતિએ દેશમાં હવે ચલણમાં, રૂ.૨૦૦૦ની કુલ ૨૧૪ કરોડ નોટો રહી છે જે આગલા વર્ષે ૨૪૫ કરોડ હતી. જાેકે, રિઝર્વ બેંકે હવે રૂ.૫૦૦ની નોટો વધારે છાપવાનું શરુ કર્યું છે. રૂ.૩૧ લાખ કરોડના વ્યવહારના કુલ ચલણમાં રૂ.૫૦૦ની નોટોનો હિસ્સો ૭૩.૩ ટકા હતો જે ગત વર્ષે ૬૮.૪ ટકા હતો.
આ અહેવાલ અનુસાર દેશમાં રૂ.૫૦૦ની કુલ ૪૫૫૫ કરોડ નોટો ચલણમાં છે જે ગત વર્ષે ૩૮૬૮ કરોડ જ હતી આમ કુલ નોટોમાં તેનો હિસ્સો ૩૧ ટકા કરતા વધી હવે ૩૫ ટકા જેટલો થયો છે. રૂ.૨૦૦૦ની નોટોની જેમ હવે રૂ.૧૦૦ની નોટોનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. માર્ચ ૨૦૨૧માં રૂ.૧૦૦ની નોટોનું પ્રમાણ ૬.૭ ટકા હતું જે આ વર્ષે ઘટી ૫.૮ ટકા થયું છે.