જો તમે ATM દ્વારા પૈસા ઉપાડો છો તો આ સમાચાર તમારા કામના છે. હવે તમે ATM કાર્ડ વગર પણ પૈસા ઉપાડી શકશો. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે આ જાહેરાત કરી છે. અત્યાર સુધી આ સુવિધા માત્ર કેટલીક બેંકોમાં જ ઉપલબ્ધ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે હવે તમામ બેંકોમાં ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવશે. અત્યાર સુધી માત્ર કેટલીક બેંકોમાં કાર્ડ વગર એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા હતી.
તેમણે કહ્યું કે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડી શકાય છે. RBI ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, આ પગલાથી કાર્ડનું ક્લોન કરીને પૈસા ઉપાડવાની છેતરપિંડી પણ ઓછી થશે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે મોનેટરી પોલિસીની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે MPCએ પોલિસી દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 4 ટકા પર યથાવત છે. આ સતત 11મી વખત છે જ્યારે કેન્દ્રીય બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ, રિઝર્વ બેંકે છેલ્લે 22 મે 2020ના રોજ રેપો રેટમાં ફેરફાર કર્યો હતો.
મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના પરિણામોની જાહેરાત કરતા, રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આર્થિક વૃદ્ધિ જાળવી રાખીને ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્રીય બેંક તેના નરમ વલણમાં ફેરફાર કરશે. રેપો રેટ એ દર છે જેના પર રિઝર્વ બેંક વ્યાપારી બેંકોને તેમની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવા માટે લોન આપે છે.
જ્યારે રિવર્સ રેપો રેટ હેઠળ બેંકોને તેમના નાણાં રિઝર્વ બેંક પાસે રાખવા પર વ્યાજ મળે છે. MPCએ ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને 7.2 ટકા કર્યું છે. ફેબ્રુઆરીની નાણાકીય સમીક્ષા બેઠકમાં, MPCએ આર્થિક વૃદ્ધિ દર 7.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.