India News : પોતાના પતિ સાથે વિવાદને લઈને ચર્ચામાં આવેલી ઉત્તર પ્રદેશ પીસીએસ અધિકારી જ્યોતિ મૌર્ય (Jyoti Maurya) સામે ભ્રષ્ટાચાર મામલે તપાસ તેજ થઈ ગઈ છે. તપાસ સમિતિએ જ્યોતિ અને તેના પતિ આલોક મૌર્યને (Alok Maurya) તેમના નિવેદનો નોંધવા માટે નોટિસ ફટકારી છે. એવામાં કમિટીએ આલોકને પુરાવાની સાથે પોતાનું નિવેદન નોંધવા માટે બોલાવ્યા છે. એવું માનવામાં આવે છે કે પહેલા અલગથી પછી બંનેની સામે બેસીને તપાસ અને પૂછપરછ કરી શકાય છે.
તપાસ સમિતિએ જ્યોતિ મૌર્યના 6 અલગ અલગ બેંક ખાતાઓની વિગતો માંગી છે. તેમના પર આરોપ છે કે તેમણે પદ પર રહીને ભ્રષ્ટાચાર દ્વારા મોટી સંપત્તિ ઉભી કરી હતી. આલોક મૌર્યએ નોંધાવેલી ફરિયાદમાં 32 પાનાની ડાયરી પણ સામેલ છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક પુરાવા (Electronic evidence) પણ તપાસ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
ડાયરીમાં 33 કરોડથી વધુના વ્યવહારોની વિગતો
જ્યોતિ મૌર્યના પતિ આલોક મૌર્યએ રજૂ કરેલી ડાયરીમાં ૩૩ કરોડથી વધુના વ્યવહારોની વિગતો છે. તપાસ સમિતિએ લખનૌની કેટલીક ઓફિસોમાંથી દસ્તાવેજો પણ એકત્રિત કર્યા છે. સરકારની સૂચના પર ડિવિઝનલ કમિશ્નર પ્રયાગરાજે આ મામલે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. તપાસ સમિતિએ ૧૫ દિવસની અંદર તપાસ પૂર્ણ કરવાની રહેશે.
પ્રયાગરાજના કમિશનર વિજય વિશ્વાસ તપાસ કરશે
જ્યોતિના પતિ આલોકે તેની સામે અનિયમિત વ્યવહાર અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે જ્યોતિએ નોકરી દરમિયાન પૈસાની લેવડ-દેવડ કરી છે, જેના કારણે ભ્રષ્ટાચાર થયો છે. પ્રયાગરાજના કમિશનર વિજય વિશ્વાસ પંત આ મામલે તપાસ કરશે. પ્રયાગરાજના એડીએમ વહીવટ અને એસીએમ ફર્સ્ટનો પણ રચાયેલી તપાસ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યોતિ અને આલોકના લગ્ન 2010માં થયા હતા.
જ્યોતિ મૌર્ય વારાણસીની રહેવાસી છે. 2010માં તેણે બચવાલના આલોક મૌર્ય સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2015માં બંનેને જુડવા દીકરીઓ હતી. 2016માં જ્યોતિ મૌર્યએ પીસીએસની પરીક્ષા પાસ કરી હતી. જ્યોતિ મૌર્યએ પતિ આલોક અને સાસરિયાઓ સામે દહેજ ઉત્પીડનનો કેસ પણ દાખલ કર્યો છે. હાલ બંનેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.
આલોકની મુશ્કેલીઓ પણ વધી
આલોક મૌર્યની મુશ્કેલીઓ પણ વધી રહી છે. જ્યોતિએ તેની સામે કેસ દાખલ કર્યો છે, સાથે જ આલોકની ભાભી શુભ્રા મૌર્યએ પણ બનેવી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે લગ્ન બાદથી જ તેને દહેજ માટે ટોર્ચર કરવામાં આવતી હતી. પૈસા માટે સાસરીયાઓ માર મારતા હતા. ઘણી વખત તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી. તાજેતરમાં એણે સોશ્યલ મિડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ પછી પોલીસ પ્રશાસને એક્શનમાં આવીને કેસ નોંધ્યો હતો.