વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની મુલાકાતમાં સંરક્ષણ અને વેપાર સહિત અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં બંને ગલ્ફ દેશો વચ્ચેના સંબંધોને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી અપેક્ષા છે. મોદી કુવૈતના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે, ભારતીય મજૂર શિબિરની મુલાકાત લેશે, ભારતીય સમુદાયને સંબોધન કરશે અને ગલ્ફ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટના ઉદઘાટન સમારોહમાં ભાગ લેશે. છેલ્લાં 43 વર્ષમાં કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીએ ખાડીનાં દેશોની આ પ્રથમ મુલાકાત લીધી છે. વડાપ્રધાનની મુલાકાતના એક દિવસ પહેલા વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, કુવૈત સાથે દ્વિપક્ષીય રોકાણ સંધિ અને સંરક્ષણ સહયોગ કરાર પર ચર્ચા ચાલી રહી છે.
એક મીડિયા બ્રીફિંગને સંબોધિત કરતા વિદેશ મંત્રાલયના સચિવ (ઓવરસીઝ ઈન્ડિયન અફેર્સ) અરુણ કુમાર ચેટર્જીએ કહ્યું કે, વડાપ્રધાનની મુલાકાત દરમિયાન કેટલાક દ્વિપક્ષીય દસ્તાવેજો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. તેમણે કહ્યું હતું કે, “પ્રધાનમંત્રીની ઐતિહાસિક મુલાકાતથી ભારત-કુવૈત દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થવાની અપેક્ષા છે.” તેમણે જણાવ્યું હતું કે, “તે માત્ર વર્તમાન ક્ષેત્રોમાં ભાગીદારીને જ મજબૂત નહીં કરે, પરંતુ ભવિષ્યના સહકાર માટે નવા માર્ગો પણ ખોલશે, આપણા સહિયારા મૂલ્યોને મજબૂત બનાવશે અને ભવિષ્ય માટે વધુ મજબૂત ભાગીદારીનું નિર્માણ કરશે.” ’’
ચેટર્જીએ જણાવ્યું હતું કે આ મુલાકાતથી ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (જીસીસી) વચ્ચેના સંબંધોને પણ વેગ મળવાની અપેક્ષા છે. ચેટર્જીએ કહ્યું કે ભારત મુક્ત વેપાર કરાર માટે જીસીસી સાથે વાતચીત કરી રહ્યું છે. તેમણે કહ્યું, “અમને આશા છે કે બંને પક્ષો તેને પૂર્ણ કરવામાં સક્ષમ હશે.” કુવૈતમાં એક મજૂર શિબિરમાં મોદીની આયોજિત મુલાકાત અંગે ચેટર્જીએ કહ્યું હતું કે સરકાર વિદેશમાં તમામ ભારતીય કામદારોના કલ્યાણને ખૂબ મહત્વ આપે છે. “વડા પ્રધાનની મજૂર શિબિરની મુલાકાતનો હેતુ એ દર્શાવવાનો છે કે ભારત સરકાર આપણા કામદારોને કેટલું મહત્વ આપે છે. એ જ મુખ્ય ઉદ્દેશ છે. ’’
પીએમ મોદી કુવેતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જબર અલ-સાબાના આમંત્રણ પર આ મુલાકાતે જઈ રહ્યા છે. અમીર સાથે મુલાકાત ઉપરાંત મોદી કુવેતના યુવરાજ અને પ્રધાનમંત્રી સાથે પણ વાતચીત કરશે. ચટર્જીએ કહ્યું, ‘‘આ મુલાકાતથી બંને દેશો વચ્ચે વધુ મજબૂત ભાગીદારી વિકસાવવામાં મદદ મળશે.’’ તેમણે કહ્યું કે મોદી કુવેત નેતૃત્વ સાથે વ્યાપાર, રોકાણ, ઊર્જા, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંપર્કના ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. આ પહેલાં, તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ 1981માં કુવેતની મુલાકાત લીધી હતી.
કેનેડામાં રહેતા ભારતીયો માટે લોટરી લાગી! જસ્ટિન ટ્રુડોના આ નિર્ણયથી મળી શકે છે સ્થાયી નાગરિકતા
અદાણી ગ્રુપ સામે યુએસ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીમાં સામેલ જજ રાજીનામું આપશે
ભારત, કુવેતના ટોચના વ્યાપારિક ભાગીદારોમાંનો એક છે અને ભારતીય સમુદાય કુવેતમાં સૌથી મોટો પ્રવાસી સમુદાય છે. કુવેત, ભારતના ટોચના વ્યાપારિક ભાગીદારોમાંનો એક છે, જેનો દ્વિપક્ષીય વ્યાપાર નાણાકીય વર્ષ 2023-24માં 10.47 અબજ અમેરિકી ડોલર રહ્યો. કુવેત, ભારતનો છઠ્ઠો સૌથી મોટો કાચા તેલનો પુરવઠાકાર છે, જે દેશની ઊર્જા જરૂરિયાતોને ત્રણ ટકા સુધી પૂર્ણ કરે છે. અમીર શેખ સબાહ અલ અહમદ અલ જાબર અલ સબાહ જુલાઈ, 2017માં ખાનગી મુલાકાતે ભારત આવ્યા હતા. આ પહેલાં 2013માં કુવેતના પ્રધાનમંત્રીએ ભારતની ઉચ્ચ સ્તરીય મુલાકાત લીધી હતી.