પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી યુરોપના ત્રણ દેશોના પ્રવાસે છે. આજે સવારે તેઓ જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એરપોર્ટ ઉપર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓ હોટલ એડલોન કેમ્પિન્સ્કી પહોંચ્યા તો ત્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનંઆ ભવ્ય સ્વાગત કર્યું.
આ દરમિયાન લોકોએ ભારતમાતા કી જય અને વંદે માતરમના નારા પણ લગાવ્યા. લોકોમાં પીએમ મોદીની મુલાકાતને લઈને ખુબ ઉત્સાહ જાેવા મળ્યો. પીએમ મોદી બર્લિનમાં ભારતીય મૂળના લોકોને મળ્યા. આ દરમિયાન એક બાળકીએ પીએમ મોદીને એક પેન્ટિંગ પણ દેખાડ્યું જે જાેઈને પીએમ મોદી ખુબ ખુશ થઈ ગયા. આ પળનો એક વીડિયો પણ સામે આવ્યો છે. પેન્ટિંગ પીએમ મોદીનું છે.
બાળકીને પીએમએ પૂછ્યું કે આ તસવીર બનાવવામાં તેને કેટલો સમય લાગ્યો તો બાળકીએ કહ્યું કે લગભગ ૧ કલાકનો સમય લાગ્યો. ત્યારબાદ પીએમએ સવાલ કર્યો કે આ તસવીર કેમ બનાવી તો બાળકીએ કહ્યું કે તમે મારા આઈકન છો. ત્યારબાદ પીએમ મોદીએ બાળકીને આશીર્વાદ આપ્યા અને બાળકીને તસવીર પર પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો.
બર્લિન પહોંચીને પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે મને વિશ્વાસ છે કે આ પ્રવાસથી ભારત અને જર્મની વચ્ચેની મિત્રતા મજબૂત થશે. અત્રે જણાવવાનું કે પીએમ મોદી રવિવારે મોડી રાતે જર્મની માટે રવાના થયા હતા. પીએમ મોદી આ દરમિયાન ત્રણ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ સાથે મુલાકાત કરશે. આ અગાઉ રવિવારે તેમણે પોતાના ત્રણ દિવસના યુરોપ પ્રવાસની જાણકારી આપી હતી.
પીએમ મોદી જર્મની બાદ ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સનના નિમંત્રણ પર ત્રણ અને ચાર મેના રોજ કોપેનહેગન જશે. આ દરમિયાન તેઓ ફ્રેડરિક્સન સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે અને દ્વિતીય ભારત-નાર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેશે. પ્રવાસના અંતિમ તબક્કામાં તેઓ ફ્રાન્સ જશે. અહીં તેઓ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે. અત્રે જણાવવાનું કે આ વર્ષે પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે.