વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રમુખ જે.પી. નડ્ડા સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાનના નિવાસસ્થાને લગભગ 5 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
સૂત્રોનું માનીએ તો બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાજપના ટોચના નેતાઓ યુસીસીના મુદ્દે વિવિધ ધર્મના અગ્રણી લોકો સાથે વાત કરશે અને સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરશે. એટલું જ નહીં લોકસભા ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ પર બિલ લાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં ઉત્તરાખંડ સરકાર દ્વારા લાવવામાં આવેલા UCC બિલ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની સાથે 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ પર પણ મંથન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ભાજપના સંગઠન મંત્રી બીએલ સંતોષ પણ સામેલ હતા. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં UCCને લઈને હિલચાલ ખૂબ જ ઝડપી બની છે.
ભોપાલમાં યુનિફોર્મ સિવિલ કોડની જોરદાર હિમાયત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે, “અમે જોઈ રહ્યા છીએ કે યુસીસીના નામે લોકોને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે. જો ઘરમાં પરિવારના એક સભ્ય માટે એક કાયદો અને બીજા માટે બીજો કાયદો હોય, તો શું તે કુટુંબ ચલાવી શકશે? તો પછી આવી બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલશે?
OMG! ભારતીય મહિલાઓ પાસે ઘરના કબાટમાં છે 100 લાખ કરોડનુ સોનુ, વિશ્વની ટોચની 5 બેંકો કરતાં પણ વધારે
ઘણા રાજકીય પક્ષોએ UCC પરના નિવેદનને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું છે. AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પ્રશ્ન કર્યો હતો કે શું UCCના નામે દેશનો બહુલવાદ “છીનવી લેવામાં આવશે” જો કે, આમ આદમી પાર્ટી (AAP) એકમાત્ર વિરોધ પક્ષ છે જેણે UCCને સૈદ્ધાંતિક સમર્થન આપ્યું છે. સમાન નાગરિક સંહિતા એટલે દેશના તમામ નાગરિકો માટે સમાન કાયદો જે ધર્મ પર આધારિત નથી. પર્સનલ લો અને વારસા, દત્તક, ઉત્તરાધિકાર સંબંધિત કાયદાઓ આ કોડમાં સામેલ થવાની શક્યતા છે. UCCનો અમલ એ ભાજપના ચૂંટણી ઢંઢેરાના ભાગ છે.