ખાદ્ય તેલ, સાબુ, શેમ્પૂ, સ્માર્ટફોન, લેપટોપ, કોસ્મેટિક આઈટમ્સ… આ તમામ ચીજાેના ભાવ ટૂંક સમયમાં વધવાના છે. રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે હવે ભારતીય મિડલ ક્લાસે પણ માર સહન કરવો પડશે. ક્રૂડ ઓઈલના ભાવ વિક્રમજનક ઊંચી સપાટીએ પહોંચ્યા છે અને ડોલરની સામે રૂપિયો તૂટ્યો છે તેના કારણે આગામી થોડા જ સપ્તાહમાં આયાત મોંઘી પડશે. થોડા જ સપ્તાહમાં ભારતમાં મોંઘવારીની પ્રચંડ લહેર આવે તેવી શક્યતા છે. હાલમાં દરેક કોમોડિટીના ભાવ વધી રહ્યા છે. પછી તે ક્રૂડ ઓઈલ હોય, સોનું હોય, ખાદ્ય તેલ હોય કે પછી મેટલ હોય. યુરોપમાં યુદ્ધના કારણે સપ્લાયની અનિશ્ચિતતા પેદા થવાથી ભારતીય મધ્યમ વર્ગ પણ દાઝશે.
નિષ્ણાતોએ કહ્યું કે કન્ઝ્યુમર ગુડ્સનો ભાવ ૧૦ ટકા વધી શકે છે. જ્યારે ખાદ્યતેલના ભાવમાં ૨૦ ટકા જેટલો વધારો થઈ શકે છે.સનફ્લાવર, પામ ઓઈલ, સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર જેવી કોમોડિટીના ભાવમાં છેલ્લા ૮થી ૧૦ દિવસની અંદર ૧૦થી ૧૫ ટકા જેટલો વધારો થયો છે. ક્રૂડ ઓઈલ મોંઘું થવાથી કોસ્મેટિક્સ પણ મોંઘા પડશે કારણ કે તેમાં ઓઈલના ડેરિવેટિવનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત રૂપિયાના ઘસારાના કારણે ડોલર મોંઘો થવાથી ઇમ્પોર્ટેડ માલ મોંઘો પડવાનો છે.
કોવિડ ૧૯ની ગંભીર સ્થિતિ હતી ત્યારે ઇલેક્ટ્રોનિક સેક્ટરે દરેક ક્વાર્ટરમાં ૨થી ૩ ટકા જેટલો ભાવ વધારો કરવો પડ્યો હતો. આગામી ક્વાર્ટરમાં આ ભાવવધારો વધુ આકરો હશે તેમ ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ કમલ નંદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે કન્ઝ્યુમર ગુડ્સ ઉદ્યોગ એપ્રિલ મહિનાથી ભાવવધારા વિશે વિચારતો હતો કારણ કે હાલમાં ઇનપુટ કોસ્ટ અને સેલિંગ કોસ્ટ વચ્ચે સાતથી આઠ ટકા જેટલો તફાવત છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસમાં આ ગેપ વધીને ૧૦થી ૧૧ ટકા થઈ ગયો છે.
સોમવારે ભારતીય રૂપિયાનું મૂલ્ય ઘટીને ડોલર સામે ૭૭.૦૧ થઈ ગયું હતું. ફુડ પ્રોડક્ટ્સમાં હવે ડિસ્કાઉન્ટ ઘટી જશે અને પેકેટનું વજન ઘટાડવામાં આવશે. રશિયા અને યુક્રેન એ ઘઉં, મકાઈ અને સૂર્યમુખીના તેલના મુખ્ય સપ્લાયર છે. ભારત સૂર્યમુખીના તેલની જરૂરિયાતના ૬૦ ટકાની આયાત કરે છે. તેમાંથી એકલા યુક્રેનનો હિસ્સો એક તૃતિયાંશ જેટલો છે.
ઇન્ડિયન પલ્સિસ એન્ડ ગ્રેઈન એસોસિયેશનના ચેરમેન બિમલ કોઠારીએ કહ્યું કે ઘઉં, બાજરા અને મકાઈના ભાવમાં ૧૦થી ૨૦ ટકાનો વધારો થયો હોવાથી રિટેલ ભાવ પર અસર પડશે. આ ઉપરાંત આગામી મહિનાથી ટીવીના ભાવમાં પણ ૫ ટકાનો વધારો થશે કારણ કે ડોલર મજબુત થવાથી આયાત મોંઘી પડે છે. ઇમ્પોર્ટેડ લેપટોપ અને સ્માર્ટફોનના ભાવમાં પણ ભારે વધારો થવાની અપેક્ષા છે.