રાજસ્થાનમાં સરકાર હવે કિન્નરોને મહિલા અને પુરૂષ બનાવશે. રાજસ્થાન સરકારે દેશમાં પ્રથમ સન્માન યોજના શરૂ કરી છે. આ અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં લિંગ બદલવા માટે ઓપરેશન કરવામાં આવશે. સરકાર લિંગ પરિવર્તનના ઓપરેશનમાંથી પસાર થતા ટ્રાન્સજેન્ડરોને 2.50 લાખ રૂપિયા સુધીની સહાય આપશે. રાજસ્થાન સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે આ માટે ઉત્થાન કોશની રચના કરી છે. આ ફંડ 10 કરોડથી સ્થાપિત કરવામાં આવી રહ્યું છે.
વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર ઓમપ્રકાશ તોશનીવાલે જણાવ્યું હતું કે ટ્રાન્સજેન્ડરોનું મફત ઓપરેશન સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવશે અથવા જો કોઈ બહારની હોસ્પિટલમાંથી ઓપરેશન કરાવવા માંગે છે તો 2.50 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જે લોકો ટ્રાન્સજેન્ડર લિંગ બદલવા માટે ઇચ્છુક છે, તેઓએ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં અરજી કરવાની રહેશે. આ યોજનાને રાજસ્થાનના 20 હજારથી વધુ ટ્રાન્સજેન્ડરોને સન્માન આપવા માટે ગેહલોત સરકારની પહેલ તરીકે કહેવામાં આવી રહી છે.
ડૉક્ટરોએ કહ્યું કે ટ્રાન્સજેન્ડર્સમાં હોર્મોનલ અસંતુલન હોય છે, જેના કારણે તેઓ પુરૂષ કે સ્ત્રી તરીકે સંપૂર્ણ રીતે વિકાસ કરી શકતા નથી. તેને સેક્સ રિએસાઈનમેન્ટ સર્જરી દ્વારા બદલી શકાય છે.પહેલા એ જોવામાં આવશે કે ટ્રાન્સજેન્ડરમાં ફીમેલ હોર્મોન્સ છે કે મેલ હોર્મોન્સ, તે મુજબ આ ઓપરેશન કરવામાં આવશે.