ભારતના ત્રણ અલગ-અલગ ખૂણામાં રહેતા ચાર પરિવારોનું જીવન ગુરુવારે અચાનક થંભી ગયું હતું. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આર્મી કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલામાં 4 જવાનોના મોત સાથે તેમના પર પહાડ તુટી પડ્યો હતો. તેમના માટે જીવન જીવવાનો હેતુ ક્યાંક ખોવાઈ ગયો હતો. તેમની શહીદીના કલાકો પહેલા 48 વર્ષીય સુબેદાર રાજેન્દ્ર પ્રસાદ ભામ્બુએ તેમની પુત્રી સાથે વિડીયો કોલ કર્યો હતો તે પહેલા નબળા સેલફોન નેટવર્કને કારણે કોલ ડિસ્કનેક્ટ થયો હતો.
ભંબુનો નાનો ભાઈ રાજેશ સરકારી શાળામાં શિક્ષક છે. રાજેશ કહે છે કે સવારે લગભગ 5 વાગ્યે અમને જાણ થઈ કે તે ઘાયલ છે. બાદમાં અમને કહેવામાં આવ્યું કે તે શહીદ થઈ ગયો છે. ભંબુ 2023માં નિવૃત્ત થવાના હતા. નિવૃત્તિ પછી આવતા વર્ષે માર્ચમાં તેમની પુત્રીના લગ્ન થવાના હતા. ભંબુના પરિવારમાં બે પુત્રી અને એક પુત્ર છે.
અહેવાલ મુજબ, 21 વર્ષીય રાઈફલમેન નિશાંત મલિકે બુધવારે હરિયાણાના હિસાર જિલ્લાના હાંસી શહેરમાં તેના પરિવાર સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. ગુરુવારે સવારે તેની બહેને ફોન કર્યો, તે રક્ષાબંધનનો દિવસ હતો. પરંતુ ત્યાંથી કોઈ જવાબ મળ્યો ન હતો.હાંસીમાં તૈનાત સબ ડિવિઝનલ ઓફિસર (જાહેર સ્વાસ્થ્ય) અને નિશાંતના પારિવારિક મિત્ર રણબીર મલિકે જણાવ્યું કે સાંજે નિશાંતની શહાદત વિશે તેમના પિતાને જાણ કરવામાં આવી હતી.
તમિલનાડુના મદુરાઈ જિલ્લાના ટી પુડુપટ્ટી ગામમાં રાઈફલમેન ડી લક્ષ્મણના જોડિયા ભાઈ રામુએ જણાવ્યું હતું કે તેઓ બંને સૈન્યમાં જોડાવા માગતા હતા અને ભરતી પ્રક્રિયાની તૈયારી માટે સખત મહેનત કરી હતી. લક્ષ્મણને એકલા જ દાખલ કરી શકાયા. અમને તેમના પર ગર્વ છે. હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના શાહજહાંપુર ગામના રાઈફલમેન મનોજ કુમાર બે વર્ષ પહેલા સેનામાં જોડાયા હતા. ફરીદાબાદ પોલીસના પ્રવક્તા સુબે સિંહે જણાવ્યું કે પરિવારના ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાના કુમારના લગ્ન નવેમ્બર 2021માં થયા હતા. સિંહે કહ્યું કે કુમારના પરિવારને ગુરુવારે સવારે તેમની શહાદત વિશે જાણ કરવામાં આવી હતી. રાજૌરીમાં થયેલા આ આતંકી હુમલામાં સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા હતા.