સેનામાં ભરતી માટેની અગ્નિપથ યોજનાના કારણે દેશના અનેક શહેરોમાં હિંસા વ્યાપી છે પરંતુ સરકાર તો આ યોજનાને શક્ય તેટલી ઝડપથી અમલમાં લાવવા માટે પ્રયત્નો કરી રહી છે. ઉપરાંત આ નવી યોજના માટે જરૂરી ફેરફારો પણ કરવામાં આવી રહ્યા છે. સવારે ગૃહ મંત્રાલય દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, કેન્દ્રીય આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએઆરએફ) તથા આસામ રાઈફલ્સની ભરતીમાં અગ્નિવીરોને ૧૦ ટકા અનામત આપવામાં આવશે.
ત્યારે હવે સંરક્ષણ મંત્રાલયે પણ આ યોજના માટે એક મહત્વનો ર્નિણય લીધો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અગ્નિવીરોને રિટાયરમેન્ટ બાદ સરકાર તરફથી શું સુવિધા આપવામાં આવશે તે અંગેની જાહેરાત કરી છે. સંરક્ષણ મંત્રી કાર્યાલય દ્વારા કરવામાં આવેલા ટિ્વટમાં લખ્યું છે કે, જે નવયુવાનો ૪ વર્ષ સેનામાં સેવા આપ્યા બાદ બહાર નીકળશે તેમને પણ સરકાર તરફથી સુવિધાઓ આપવામાં આવશે. રિટાયરમેન્ટ બાદ જવાનોને આજીવન અગ્નિવીર તરીકે જ ઓળખવામાં આવશે.
ટિ્વટમાં લખ્યું છે કે, ‘મને આનંદ છે કે, આ અગ્નિવીરોની સૈનિક સેવા સમાપ્ત થયા બાદ અનેક સરકારી વિભાગોમાં પસંદગી માટે તેમને પ્રાથમિકતા આપવાની ઘોષણા થઈ ચુકી છે. જાે તેઓ અન્ય કોઈ કામ કરવા ઈચ્છે છે તો તેમને સસ્તા દરે લોનની સુવિધા પ્રદાન કરવામાં આવશે.’
વધુમાં લખ્યું હતું કે, દેશની સેનાઓમાં અગ્નિવીર માત્ર નવા રિક્રુટ્સ લાવવા માટેનું નામ નથી પરંતુ તેમને પણ એવી જ ક્વોલિટી ટ્રેઈનિંગ આપવામાં આવશે જે આજે સેનાઓના જવાનોને મળી રહી છે. ટ્રેઈનિંગનો સમય ભલે ઓછો હશે પરંતુ ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં થાય.