મહારાષ્ટ્રની રાજકીય ઉથલ-પાથલ વચ્ચે ટીમ ઉદ્ધવ અને ટીમ શિંદેના નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપોની રમઝટ ચાલી રહી છે. આ બધા વચ્ચે શિવસેનાના મુખપત્ર ‘સામના’ના સંપાદકીય લેખમાં બળવાખોર ધારાસભ્યોના વલણ સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. ઉપરાંત ભાજપને પણ આડેહાથ લેવામાં આવ્યું છે. સંપાદકીય લેખમાં લખવામાં આવ્યું છે કે, આખરે ગુવાહાટી પ્રકરણમાં ભાજપની ધોતી ખુલી જ ગઈ.
શિવસેનાના ધારાસભ્યોની બગાવત એ આંતરિક મુદ્દો છે તેવું એ લોકો (ભાજપ) ધોળાદિવસે કહેતા હતા. ત્યારે એમ કહેવાય છે કે, વડોદરામાં દેવેન્દ્ર ફડણવીસ તથા એકનાથ શિંદેની એક ગુપ્ત મીટિંગ થઈ છે. તે મુલાકાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામેલ હતા. ત્યાર બાદ તરત જ ૧૫ બળવાખોર ધારાસભ્યોને કેન્દ્ર સરકાર દ્વારા ‘વાય’ શ્રેણીની વિશેષ સુરક્ષા પ્રદાન કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો. આ ૧૫ ધારાસભ્યો જાણે લોકશાહી, આઝાદીના રખેવાળ છે. માટે તેમનો વાળ પણ વાંકો નહીં થવા દેવાય, શું કેન્દ્ર એવું માને છે?
હકીકતે આ લોકો ૫૦-૫૦ કરોડ રૂપિયામાં વેચાયેલા બળદો અથવા તો ‘બિગ બુલ’ છે. તેઓ લોકશાહીને લાગેલું કલંકજ છે. તે કલંકને સુરક્ષિત રાખવા આ શું ઉધામા છે? આ ધારાસભ્યોને મુંબઈ-મહારાષ્ટ્રમાં આવવાનો ડર લાગી રહ્યો છે કે પછી આ કેદી ધારાસભ્યો મુંબઈમાં ઉતરવાની સાથે જ ફરી ‘કૂદીને’ પોતાના ઘરે ભાગી જશે એવી ચિંતાના કારણે તેમને સરકારી ‘કેન્દ્રીય’ સુરક્ષા તંત્ર દ્વારા બંદી બનાવવામાં આવ્યા છે?
આ જ સવાલ છે. જાેકે એટલું નક્કી છે કે, મહારાષ્ટ્રના રાજકીય લોકનાટકમાં કેન્દ્રની ડફલી, તંબુરાવાળા કૂદી પડ્યા છે અને રાજ્યના ‘નચનિયા’ ધારાસભ્યો તેમના તાલ પર નાચી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે વચ્ચેનો સત્તા સંઘર્ષ રવિવારે વધુ ઉગ્ર બન્યો હતો. પાર્ટીના સાંસદ સંજય રાઉતે બંડખોર ધારાસભ્યોને વિધાનસભાની સદસ્યતાનો ત્યાગ કરીને ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો. આ બધા વચ્ચે પાર્ટીના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન સતત ચાલુ જ છે.