આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતોમાં નરમાઈ અને સરકારના હસ્તક્ષેપને કારણે ખાદ્યતેલના ભાવમાં પ્રતિ લીટર 10-15 રૂપિયાનો ઘટાડો થયો છે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ બુધવારે જણાવ્યું હતું કે સીંગદાણા તેલ સિવાય, છેલ્લા કેટલાક દિવસોમાં અન્ય તમામ તેલના ભાવમાં ઘટાડો થયો છે. ગયા અઠવાડિયે અદાણી, વિલ્મર, મધર ડેરી અને અન્ય જેવી મોટી બ્રાન્ડ્સે એમઆરપીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જોકે, તેનો લાભ આગામી થોડા દિવસોમાં જ મળશે કારણ કે નવા સ્ટોકને બજારમાં પહોંચવામાં સમય લાગશે.
સનફ્લાવર ઓઈલ 3 રૂપિયા સસ્તું સનફ્લાવર ઓઈલ 193 રૂપિયાથી ઘટીને 190 રૂપિયા થઈ ગયું છે. પામતેલનો ભાવ રૂ.156થી ઘટીને રૂ.152 થયો છે. ગ્રાહક મંત્રાલય કુલ 22 આવશ્યક ચીજવસ્તુઓની કિંમતો પર નજર રાખે છે. તેમનો ડેટા 167 માર્કેટમાંથી એકત્રિત કરવામાં આવ્યો છે. તેમાં કઠોળ, ચોખા, ઘઉં, લોટ, ખાંડ, દૂધ, બટાકા, ચાની પત્તી, ડુંગળી, ટામેટાં અને અન્ય વસ્તુઓ છે. સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે છૂટક બજારમાં માત્ર ખાદ્યતેલના ભાવ જ નહીં, ઘઉં અને અન્ય લોટના ભાવ પણ સ્થિર છે.
ઉપભોક્તા બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર સીંગતેલની કિંમત 1 જૂનના રોજ 186 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 21 જૂને 188 રૂપિયા થઈ ગઈ હતી. આ સમયગાળા દરમિયાન સરસવના તેલનો ભાવ રૂ. 183થી ઘટીને રૂ. 180 થયો હતો. વનસ્પતિ તેલનો ભાવ રૂ. 165 છે જ્યારે સોયા તેલનો ભાવ રૂ. 169.65થી ઘટીને રૂ. 167.67 થયો છે. ખાદ્યતેલ અને અન્ય મુખ્ય ચીજવસ્તુઓના ભાવ આગામી દિવસોમાં વધુ ઘટી શકે છે.