Business News: હાલમાં UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ નથી લાગતો. આખા દેશમાં લોકો અઢળક પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે. આ પહેલા પણ UPI પેમેન્ટ પર ચાર્જ વસૂલવાના સમાચાર ચર્ચામાં હતા, જેને સરકારે સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. જોકે, ફરી એકવાર UPI પેમેન્ટ પર ચાર્જ લેવાનો મુદ્દો ઉભો થયો છે. ખરેખર, Paytm પેમેન્ટ બેંક પર પ્રતિબંધને કારણે PhonePe અને Google Payને ફાયદો થયો છે. આવી સ્થિતિમાં આ બે UPI પેમેન્ટ એપ ભારતના UPI માર્કેટ પર કબજો કરી રહી છે. આવી સ્થિતિમાં UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે. જો કે, સરકારે UPI પર ચાર્જ કરવાની યોજનાને નકારી કાઢી છે.
અહેવાલ અનુસાર ફિનટેક કંપનીઓ UPIમાં આવકના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી રહી છે. તેમનું કહેવું છે કે બજારમાં લાંબા સમય સુધી ટકી રહેવા માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) સાથે ક્રેડિટ કાર્ડ જેવી સિસ્ટમની જરૂર પડશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઝીરો MDR બિઝનેસ મોડલને કારણે નુકસાન થઈ રહ્યું છે. ફિનટેક કંપનીઓએ આ અંગે સરકાર સમક્ષ મુદ્દો ઉઠાવ્યો છે.
ઉપરાંત કેટલીક ફિનટેક કંપનીઓએ NPCI સાથે પ્રીપેડ પેમેન્ટ સાધનો દ્વારા કરવામાં આવતી UPI ચુકવણીઓ પર શુલ્ક લાદવા અંગે ચર્ચા કરી છે. જોકે આ મામલે કોઈ નિર્ણય લેવાયો નથી. યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લગાવવાના પ્રસ્તાવને સરકારે પહેલાથી જ ફગાવી દીધો છે. ઉપરાંત NPCIએ પણ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી.
તમને જણાવી દઈએ કે ભારતના લગભગ 80 ટકા UPI માર્કેટ પર Google Pay અને PhonePeનો કબજો છે. RBIના પ્રતિબંધ પછી Paytmના UPI વ્યવહારો ફેબ્રુઆરીમાં 1.4 બિલિયનથી ઘટીને 1.3 બિલિયન થઈ ગયા, જેનો PhonePe અને GooglePeએ લાભ લીધો છે.