અખિલેશ સરકારમાં મંત્રી હતા અને વારાણસીમાં સમાજવાદી પાર્ટીના નેતા વીરેન્દ્ર સિંહના પુત્રની ગોવામાં ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. વારાણસીના અરદાલી બજારના રહેવાસી કાર્ડિયોલોજિસ્ટ અભિષેક વિક્રમ સિંહ અને તેની મહિલા મિત્ર પર ડ્રગ્સનું સેવન કરવાનો આરોપ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોવાના પણજી સ્થિત એક ફાઈવ સ્ટાર હોટલમાં પાર્ટી ડાન્સ દરમિયાન અભિષેકની ગર્લફ્રેન્ડની તબિયત બગડી હતી.
રિપોર્ટ્સ અનુસાર દિલ્હીથી ડો. અભિષેક અને તેની મહિલા મિત્ર સારા ખાન ગયા શનિવારે ગોવા પહોંચ્યા હતા જ્યાં બંને બીચ વોક માટે ગયા હતા અને પછી પાર્ટી કરવા માટે એક ફાઈવ સ્ટાર હોટલમાં ગયા હતા. રિપોર્ટ્સ અનુસાર બંનેએ વેગેટર બીચ પર પાર્ટી પણ કરી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ડ્રગ્સનું સેવન કરવામાં આવ્યું હતું.
હોટલમાં ડાન્સ દરમિયાન સારાને અસ્વસ્થતા અને ઉલ્ટી થવા લાગી. ત્યારબાદ બંને રૂમમાં ગયા. પ્રાપ્ત માહિતી અનુસાર સારા બીજા દિવસે હોટલના ફ્લોર પર બેભાન અવસ્થામાં મળી આવી હતી. મહિલાને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ મામલો સામે આવ્યો હતો. પણજીની કલગુંટ પોલીસે અભિષેકને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ગોવા છોડવાની સૂચના આપી હતી. ડો. અભિષેકે જણાવ્યું કે તે એક ફાર્મા કંપનીના ફોનના કારણે ગોવા આવ્યો હતો. અહીં પાર્ટી દરમિયાન એક યુવતીની તબિયત બગડતાં ડોક્ટરે હોસ્પિટલમાં દાખલ કરી હતી.
યુવતી સાથે અન્ય કોઈ ન હોવાથી તેણે પોતાનું નામ અને સરનામું હોસ્પિટલ પાસે મૂકી દીધું હતું. હોશમાં આવ્યા બાદ યુવતીએ પણ જણાવ્યું કે ડો. અભિષેકે તેની મદદ કરી હતી. બીજી તરફ સપા નેતા વીરેન્દ્ર સિંહે પણ મીડિયાને જણાવ્યું કે તેમના પુત્રને પોલીસે માત્ર સહકાર માટે જ રોક્યો હતો. વીરેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર સારા ખાનની સારવારમાં પુત્રએ મદદ કરી છે.