મુંબઈથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જઈ રહેલું સ્પાઈસ જેટનું પ્લેન અચાનક તોફાનમાં ફસાઈ ગયું. વિમાન દુર્ગાપુર એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું ત્યારે વાવાઝોડાનો સામનો કરવો પડ્યો. જેના કારણે પ્લેનની કેબિનમાંથી સામાન પડવા લાગ્યો હતો. આ અકસ્માતમાં 40 મુસાફરો ઘાયલ થયા છે. સદનસીબે પાઇલટે વિમાનનું એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.
તમામ ઘાયલ મુસાફરોને એરપોર્ટ પર સારવાર આપવામાં આવી હતી. વિમાનમાં 185 મુસાફરો સવાર હતા. સ્પાઈસજેટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બોઈંગ B737 એરક્રાફ્ટ સુરક્ષિત લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું અને ઘાયલોને મેડિકલ સહાય આપવામાં આવી. જો જરૂરી હોય તો, મુસાફરોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પશ્ચિમ બંગાળના ખરાબ હવામાનને કારણે પ્લેનમાં અરાજકતા સર્જાતા પાયલટે સીટ બેલ્ટ બાંધવાનો સંકેત આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ફૂડ ટ્રોલી સાથે અથડાયા બાદ કેટલાક મુસાફરોને ઈજા પણ થઈ હતી. સ્પાઈસજેટ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર ખેદ વ્યક્ત કરે છે અને ઘાયલોને તમામ શક્ય તબીબી સહાય પૂરી પાડી છે. અધિકારીઓએ જણાવ્યું કે વિમાન હજુ પણ દુર્ગાપુર એરપોર્ટ પર છે.