વધતી જતી મોંઘવારીથી સામાન્ય જનતાને રાહત અપાવવા માટે કેન્દ્ર સરકારે હવે નવો આદેશ જાહેર કર્યો છે. સરકારે ખાદ્ય તેલના ભાવ ઓછા કરવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડાની આશા વધી ગઇ છે. તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે એડિલ ઓઇલ એસોસિએશનને તાત્કાલિક ૧૫ રૂપિયા પ્રતિ લીટર તેલના ભાવમાં ઘટાડો કરવાનો આદેશ જાહેર કર્યો છે.
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગની ૬ જુલાઇ ૨૦૨૨ના રોજ બેઠક મળી હતી જેમાં અગ્રણી ખાદ્ય તેલ સંગઠનોને ખાદ્ય તેલની મહત્તમ છૂટક વેચાણ કિંમતમાં તાત્કાલિક અસરથી કિંમતમાં ૧૫ રૂપિયાનો ઘટાડો કરવાના નિર્દેશ આપવામાં આવ્યો છે. કેન્દ્રએ એવી પણ સલાહ આપી છે કે ઉત્પાદકો અને રિફાઇનરો દ્વારા વિતરકો જે ભાવે તેલ આપવામાં આવે છે તેની કિંમતમાં પણ તાત્કાલિક ઘટાડો કરવાની જરૂર છે જેથી ભાવમાં થયેલો ઘટાડો કોઇપણ રીતે ઓછો ના થઇ જાય.
તેમાં એવું પણ ખાસ જણાવવામાં આવ્યું હતું કે જ્યારે પણ ઉત્પાદકો/રિફાઇનરો દ્વારા વિતરકો માટે ભાવમાં ઘટાડો કરવામાં આવે, ત્યારે તેનો લાભ ઉદ્યોગ દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડવો જાેઇએ અને વિભાગને નિયમિતપણે આ બાબતે જાણ કરવી જાેઇએ. કેટલીક કંપનીઓ કે જેમણે તેમના ભાવોમાં ઘટાડો કર્યો નથી અને જેમની મહત્તમ છૂટક વેચાણ કિંમત અન્ય બ્રાન્ડ્સની સરખામણીએ વધારે છે તેમને પણ તેમના ભાવમાં ઘટાડો કરવાની સલાહ આપવામાં આવી છે.
આ બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી કે, આયાત કરવામાં આવતા ખાદ્ય તેલના આંતરરાષ્ટ્રીય ભાવો ઘટાડાના વલણમાં છે જે ખાદ્ય તેલના પરિદૃશ્યમાં ઘણું સકારાત્મક ચિત્ર છે અને આથી, સ્થાનિક ખાદ્ય તેલ ઉદ્યોગોએ ખાતરી કરવાની જરૂર છે કે, સ્થાનિક બજારોમાં પણ ભાવોમાં અનુરૂપ ઘટાડો કરવામાં આવ્યો છે. અને, આ ભાવ ઘટાડાને ગ્રાહકો સુધી તાકીદના ધોરણે પહોંચાડવાની જરૂર છે. આ બેઠકમાં ભાવ ડેટા સંગ્રહ, ખાદ્ય તેલ પર નિયંત્રણ આદેશ અને ખાદ્ય તેલના પેકેજિંગ જેવા અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.