દેશભરમાં ગેસ સિલિન્ડરની વધતી કિંમતોને લઈને સરકારી તેલ કંપનીઓએ મોટો નિર્ણય લીધો છે. હવે તમારે ગેસ સિલિન્ડર ખરીદવા માટે પણ વધુ રૂપિયા ખર્ચવા પડશે. એલપીજી સિલિન્ડર પર મળતું ડિસ્કાઉન્ટ હવે નાબૂદ કરવામાં આવ્યું છે એટલે કે હવેથી તમારે LPG બુક કરાવવા માટે પણ વધુ રૂપિયા ખર્ચવા પડશે.
માહિતી મુજબ સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર 200થી 300 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું જેને હવે નાબૂદ કરી દેવામાં આવ્યું છે. કોમર્શિયલ સિલિન્ડર પર વધુ ડિસ્કાઉન્ટ આપતા વિતરકોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
માહિતી આપતાં દેશની ત્રણ સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) અને HPCL અને BPCLએ વિતરકોને કહ્યું છે કે હવેથી કોઈપણ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ધરાવતા ગ્રાહકોને ડિસ્કાઉન્ટની સુવિધા નહીં મળે. આ નિર્ણય 8 નવેમ્બરથી લાગુ થઈ ગયો છે.
ઈન્ડિયન ઓઈલ પાસેથી મળેલી માહિતી મુજબ 19 કિલો અને 47.5 કિલોના સિલિન્ડર ડિસ્કાઉન્ટ વિના વેચવામાં આવશે. આ ઉપરાંત૦ HPCLએ કહ્યું છે કે 19 kg, 35 kg, 47.5 kg અને 425 kg ના સિલિન્ડરો પર ઉપલબ્ધ તમામ ડિસ્કાઉન્ટ નાબૂદ કરવામાં આવી રહ્યા છે.