એક મહિલા ધારાસભ્યની અનોખી પહેલ સામે આવી છે. આ મહિલા ધારાસભ્યએ પોતાના બાળકને સરકારી હોસ્પિટલના જનરલ વોર્ડમાં જન્મ આપ્યો હતો. રામગઢના કોંગ્રેસના ધારાસભ્ય મમતા દેવીએ શનિવારે સરકારી હોસ્પિટલના જનરલ વોર્ડમાં એક બાળકને જન્મ આપ્યો હતો. આવું કરીને તેઓએ સમાજમાં ઉત્તમ દાખલું બેસાડવની સાથે એક અનોખી પહેલ પણ કરી છે. આમ તો સામાન્ય રીતે વ્યવસ્થામાં બેદરકારી અને સુવિધાઓના અભાવના કારણે રાજ્યની સરકારી હોસ્પિટલો વારંવાર ચર્ચાનો વિષય બનતી હોય છે.
ત્યારે ધારાસભ્યએ જણાવ્યું કે, તેમને સરકારી હોસ્પિટલો પ્રત્યે વિશ્વાસ છે, એટલે જ તેઓએ પ્રાઈવેટ હોસ્પિટલમાં જવાના બદલે અહીં પસંદગી ઉતારી. જેથી સમાજમાં પણ એક ઉત્તમ દાખલો બેસાડી શકાય. પહેલીવાર ધારાસભ્ય બનેલા મમતા દેવી રામગઢ જિલ્લાના ગોલા બ્લોક વિસ્તારમાં રહે છે.જાે કે, ધારાસભ્ય મમતા દેવીએ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં તેઓ બાળકને જન્મ આપશે એવી તેઓએ કોઈ જાહેરાત કરી નહોતી. તેઓને બે દીકરીઓ પણ છે. બંને દીકરીઓ ૧૦ વર્ષથી ઓછી ઉંમરની છે. આ બંને દીકરીઓનો જન્મ પણ સરકારી હોસ્પિટલમાં થયો હતો.
એ સમયે જિલ્લા હોસ્પિટલની સ્થાપના થઈ નહોતી. શનિવારની સવારે છ વાગે મમતા દેવીને પ્રસવપીડા ઉપડી હતી. જે બાદ તેઓને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાે કે, અહીં તેમની નોર્મલ ડિલીવરી થઈ હતી. આમ તો મમતા દેવી એક ધારાસભ્ય છે અને તેઓએ ધાર્યં હોત તો પ્રવાઈવેટ હોસ્પિટલમાં જઈ શકતા હતા. તેમ છતા પણ તેઓએ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો.ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર કવિતા વર્માના જણાવ્યા મુજબ, ધારાસભ્ય મમતા દેવીની નોર્મલ ડિલીવરી થઈ છે અને બંનેની તબિયત સારી છે.
તો હોસ્પિટલના ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટ ડૉક્ટર ઉદય શ્રીવાસ્તવે જણાવ્યું કે, એક મહિલા ધારાસભ્યએ પોતાના બાળકને જન્મ આપવા માટે સરકારી હોસ્પિટલ પર પસંદગી ઉતારી એ અમારા માટે ગર્વની વાત છે. તો મમતા દેવીના પતિ બજરંગ મહંતો કહે છે કે, મમતા સમાજમાં એક મેસેજ પહોંચડવા માગતા હતા. જેથી બાળકના જન્મ માટે સરકારી હોસ્પિટલ પર પસંદગી ઉતારી. અમારા ઘરમાં વધુ એક મહેમાનનું આગમન થયું છે અને અમે તમામ લોકો ખૂબ જ ખુશ છીએ. મહત્વનું છે કે, ૨૦૨૦માં પણ ગોડાના ફોર્મર ડીસી કિરન પાસીએ પણ આવું ઉદાહરણ પૂરુ પાડીને પ્રશંસા મેળવી હતી.