પ્રખ્યાત ડબલ્યુડબલ્યુઈ રેસલર દલીપ રાણા ઉર્ફે ધ ગ્રેટ ખલી પર પંજાબમાં ફિલ્લોર પાસે લાડો ટોલ પ્લાઝાના કર્મચારીને થપ્પડ મારવાનો આરોપ લાગ્યો છે. તેનો એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જાે કે, વીડિયોમાં ખલી થપ્પડ મારતા નજર નથી આવી રહ્યા પરંતુ ટોલ કર્મચારીઓ સાથે દલીલ કરતા નજર આવી રહ્યા છે. તેઓ જાલંધરથી કર્નાલ જઈ રહ્યા હતા ત્યારે આ વિવાદ થયો હતો.
ધ ગ્રેટ ખલીએ પણ ટોલ કર્મચારીઓ પર તેની સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, ટોલ કર્મચારી તેમની સાથે ગોડીમાં બેસીને ફોટો પડાવવા માગતા હતા પરંતુ તેમણે ઈન્કાર કર્યો તો ટોલ કર્મચારીએ તેની સાથે ગેરવર્તણુક કરી હતી. જ્યારે ટોલ કર્મચારીનો આરોપ છે કે, તેમણે ખલી પાસે તેનું ઓળખપત્ર માગ્યું હતું જેના કારણે ટોલ કર્મચારીને થપ્પડ મારી દીધો હતો. વીડિયોમાં ખલી એવું કહેતો પણ સંભળાય છે કે, તેની પાસે ઓળખ પત્ર નથી.
જ્યારે વિવાદ વધી ગયો ત્યારે ટોલ કર્મચારીઓએ પોલીસને ફોન કરી બોલાવ્યા હતા. ટોલકર્મચારીઓએ દાવો કર્યો કે, ખલીએ એક કર્મચારીને થપ્પડ માર્યો હતો અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ છે. જાે કે, ઘટના સ્થળ પર પહોંચેલા પોલીસ અધિકારીએ બંને પક્ષને સમજાવ્યા હતા ત્યારબાદ ખલી લીડો ટોલ પ્લાઝા થી રવાના થઈ ગયો હતો. ‘ધ ગ્રેટ ખલી’ના નામથી પ્રખ્યાત દલીપ સિંહ રાણા હિમાચલના સિરમૌર જિલ્લાના એક નાનું ગામ ઘિરઈનાનો રહેવાસી છે. એક નાના ગામમાંથી નીકળીને ખલીએ સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. ડબલ્યુડબલ્યુઈ રેસલિંગમાં કરિયર બનાવવા પહેલા તેઓ પંજાબ પોલીસમાં હતા. તે અનેક હોલીવુડ, બોલીવુડ ફિલ્મો અને ટેલિવિઝન શોમાં પણ કામ કરી ચૂક્યો છે.