શિવસેના નેતા એકનાથ શિંદેના બળવા વચ્ચે મહારાષ્ટ્ર સરકાર ગુપ્ત રીતે અનેક નિર્ણયો લઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે 21 જૂનથી મહારાષ્ટ્રની રાજ્ય સરકારોના વિવિધ વિભાગોમાં લગભગ 280 જીઆર (વિકાસ કાર્યો માટેના ઓર્ડર) જારી કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે 21 જૂને એકનાથ શિંદે અને તેમના સમર્થક ધારાસભ્યોએ પાર્ટીમાંથી બળવો કર્યો હતો. ત્યારપછી મહા વિકાસ આઘાડી સરકારમાં સામેલ કોંગ્રેસ અને એનસીપીના મંત્રીઓ વિકાસ કામોને લગતા જીઆરને મંજૂરી આપી રહ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે સાથે બળવામાં સામેલ થયેલા શિવસેનાના મંત્રી ગુલાબરાવ પાટીલે પણ પોતાના મંત્રાલયમાં 84 જીઆર જારી કર્યો છે. છેલ્લા ચાર દિવસમાં એનસીપીના ધારાસભ્યોના મંત્રાલયો દ્વારા સૌથી વધુ જીઆર જારી કરવામાં આવ્યા છે. ગુવાહાટીમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યોની સાથે રહેલા એકનાથ શિંદેએ વધુ એક ધડાકો કર્યો છે. તેમણે 38 ધારાસભ્યોના સમર્થનનો પત્ર જારી કર્યો છે. શિંદે દ્વારા જારી કરાયેલા પત્રમાં તમામ 38 ધારાસભ્યોની સહી પણ છે.
બીજી તરફ, ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં હાજર શિવસેનાના બળવાખોર ધારાસભ્યો આજે 2 વાગ્યે એક મહત્વપૂર્ણ બેઠક યોજવાના છે. વિદ્રોહી છાવણીના નેતા એકનાથ શિંદે આ બેઠક બોલાવી છે. આ બેઠકમાં ધારાસભ્યો ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરશે. આ સિવાય આ બેઠકમાં ડેપ્યુટી સ્પીકર દ્વારા 16 ધારાસભ્યોને નોટિસ મોકલવામાં આવશે તો તેના પર પણ ચર્ચા કરવામાં આવશે.
માનવામાં આવે છે કે શિંદે જૂથ ડેપ્યુટી સ્પીકરના આ આદેશના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં જઈ શકે છે. આ સમયે કેટલાક ધારાસભ્યો ડેપ્યુટી સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે. આ તમામ મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. શિંદે જૂથના ધારાસભ્યોએ કહ્યું છે કે જો તેમને મુંબઈ બોલાવવામાં આવે તો તેઓ જવા માટે તૈયાર છે.