વિશ્વમાં પામઓઈલના સૌથી મોટા ઉત્પાદક દેશ ઈન્ડોનેશિયાએ ઘરેલું સપ્લાય ઘટ અને દેશમાં સસ્તું તેલ મળી રહે તેવા આધાર સાથે ખાદ્યતેલોની નિકાસ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુક્યો હતો. ઈન્ડોનેશિયાના આ ર્નિણયથી સમગ્ર દુનિયાને મસમોટો ફટકો પડવાની આશંકા હતી અને ખાસ કરીને ભારત જેવા દેશને જે પોતાની કુલ પામઓઇલ આયાતમાંથી ૬૦ ટકા ઈન્ડોનેશિયા પાસેથી ખરીદે છે.
જાેકે અનેક ફરિયાદો અને આયાતકાર દેશોની અરજીને ધ્યાને લઈને ઈન્ડોનેશિયાએ નિકાસ પ્રતિબંધોમાં અમુક છૂટ આપી છે.
બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર ઈન્ડોનેશિયાએ ક્રૂડ પામ ઓઈલ અને આરબીડી પામ ઓઈલ પર લાદેલ નિકાસ પ્રતિબંધ દૂર કર્યો છે એટલેકે ગત સપ્તાહે ૨૮મી એપ્રિલથી લાગુ થનાર તમામ પ્રકારના ખાદ્યતેલોની નિકાસ પ્રતિબંધોમાંથી ક્રૂડ પામ ઓઈલ અને આરબીડી પામ ઓઈલને મુક્તિ આપી છે. મોટા જથ્થાબંધ બલ્ક અને પેકેજ્ડ આરબીડી પામ ઓઈલના એક્સપોર્ટ ઓર્ડરને અટકાવવામાં આવશે જ્યારે ક્રૂડ પામ ઓઈલને સંપૂર્ણ મુક્તિ મળી શકે છે તેમ સૂત્રોએ બ્લૂમ્બર્ગને જણાવ્યું છે.
રશિયા-યુક્રેનના યુદ્ધથી સનફ્લાવર ઓઈલની આયાત બંધ થઈ છે તેમજ દુનિયાભરમાં વિવિધ ખાદ્યતેલની કિંમત વિક્રમી સપાટી કે તેની નજીક પહોંચી ગઇ છે એવા કટોકટીના સમયે ઈન્ડોનેશિયાએ સ્થાનિક ખાદ્યતેલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરતા સમગ્ર વિશ્વમાં મોંઘવારી નવા શિખરે પહોંચવાની ભીતિ સેવાઈ રહી હતી. નોંધનીય છે કે, ભારત પોતાની જરૂરિયાતના ૫૦થી ૬૦ ટકા ખાદ્યતેલની આયાત કરે છે.
આયાતી ખાદ્યતેલના મુખ્ય પામઓઈલ, સોયાઓઈલ અને સન ફ્લાવર ઓઈલની આયાત કરે છે. ભારત વર્ષે ૧૩૦-૧૫૦ લાખ ટન ખાદ્યતેલની આયાત કરે છે. ક્રુડ ઓઈલની ભારત ૭૫ જેટલી આયાત કરે છે. કોલસામાં વિશ્વમાં બીજાે સૌથી મોટો ઉત્પાદક હોવા છતાં આયાત વગર છૂટકો નથી. હવે ખાદ્યતેલની બાબતમાં ભારતને ફટકો પડ્યો છે. ઇન્ડોનેશિયન સરકારે વર્ષ ૨૦૦૭થી ૨૦૦૯ વચ્ચે કોલસાની નિકાસ ઉપર ટેક્સ વધારવાની જાહેરાત કરી હતી.
આ જાહેરાતના કારણે ભારતના વીજ ઉત્પાદકો ઉપર ગાજ વરસી હતી. સ્થિતિ એટલી ગંભીર બની હતી કે રૂ.૧૩,૦૦૦ કરોડનો વીજ પ્લાન્ટ મફતમાં કોઈને જાેઈતો હોય તો આપવા ઉત્પાદકો તૈયાર હતા! ફરી ઇન્ડોનેશિયાએ ભારત માટે માઠા સમાચાર લઇ આવ્યું છે. ઇન્ડોનેશિયા વિશ્વમાં સૌથી મોટું પામતેલ ઉત્પાદક અને નિકાસકાર છે. વિશ્વમાં દર વર્ષે ૭ થી ૮ કરોડ ટન પામતેલનું ઉત્પાદન થાય છે જેમાં ઇન્ડોનેશિયાનો હિસ્સો ૪૦ લાખ જેટલો અને મલેશિયાનો હિસ્સો ૨૦ લાખ ટન જેટલો છે. આ બન્ને દેશ મળી ૭૦ થી ૭૫ ટકા ઉત્પાદન હાથ ધરે છે.
ભારત સહીત વિશ્વમાં અનેક દેશોમાં પામના વૃક્ષનું વાવેતર થાય છે અને તેના ફ્રુટમાંથી પીલાણ કરી તેલનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત, ક્રુડ પામના રીફાઇનિંગમાં જે કચરો નીકળે છે તેમાંથી કેમિકલ્સ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ સાબુ, શેમ્પુ, ડીટરજન્ટ અને બ્યુટી પ્રોડક્ટમાં કરવામાં આવે છે. અત્યારે ઇન્ડોનેશિયામાં એક લીટર તેલનો ભાવ સ્થાનિક ચલણ રૂપિયામાં ૨૬,૪૩૬ છે એટલે કે ૧.૮૪ ડોલર! આ એક જ વર્ષમાં ભાવ ૪૦ ટકા વધી ગયા છે.
લોકો મોંઘવારી સામે લડત ચલાવવા રસ્તા ઉપર ઉતરી આવ્યા છે.સરકારે ભાવ નક્કી કર્યો છે પણ ખાનગીમાં ઊંચા ભાવે જ તેલ મળતું હોવાથી આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારત માટે દર મહીને ૪૦ લાખ ટન પામતેલની જરૂર છે અને ઇન્ડોનેશિયાની નિકાસ ઉપર પ્રતિબંધની જાહેરાતથી હવે જરૂરીયાત કેવી રીતે પૂર્ણ કરવી એના ઉપર સવાલ ઉભો થયો છે. ઇન્ડોનેશિયાના ઉત્પાદન કરતા મલેશિયામાં ઉત્પાદન ૫૦ ટકા જેટલું ઓછું થાય છે એટલે જંગી જરૂરીયાત કેવી રીતે પૂર્ણ થશે તેના ઉપર સવાલ છે.
ઇન્ડોનેશિયાની જાહેરાતથી શુકવારે અમેરિકન બજારમાં સોયાતેલના ભાવ ઈતિહાસની સૌથી ઉંચી સપાટીએ બંધ રહ્યા હતા. શિકાગોમાં સોયાતેલ વાયદો ૦.૮૭ સેન્ટ વધી ૮૦.૫૧ સેન્ટ પ્રતિ પાઉન્ડની સપાટીએ બંધ આવ્યો હતો. શુક્રવારે મલેશિયન બજારમાં જુલાઈ ક્રુડ પામ વાયદો ૦.૬૭ ટકા વધી ૬૩૫૫ રીંગીટ પ્રતિ ટન બંધ આવ્યો હતો.