આજે એટલે કે 28 માર્ચ, 2022ના રોજ દેશમાં એક ઐતિહાસિક મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. પુનઃનિર્માણ બાદ આ મંદિરને ફરીથી ખોલવામાં આવી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આ મંદિરના પુનઃનિર્માણમાં 1800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મંદિર તેલંગાણામાં આવેલ શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિર છે. આ મંદિરને ભક્તો માટે ખોલતા પહેલા મોટા પાયે ધાર્મિક અનુષ્ઠાન, યજ્ઞો વગેરે કરવામાં આવે છે.
સીએમ કે ચંદ્રશેખર રાવ પણ આ ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ શકે છે. આ મંદિરને ખોલવાનો સમય પણ KCRના આધ્યાત્મિક ગુરુ ચિન્ના જયાર સ્વામીએ કાઢ્યો છે. મંદિર ફરી ખોલતા પહેલા ‘મહા સુદર્શન યજ્ઞ’ પણ કરવામાં આવી રહ્યો છે, જેના માટે સો એકર યજ્ઞ વાટિકા બનાવવામાં આવી છે અને તેમાં 1048 યજ્ઞ કુંડળો છે. આ ધાર્મિક વિધિઓમાં હજારો પંડિતો તેમના સહાયકો સાથે ભાગ લેશે. યાદદ્રીનું આ શ્રી લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિર હૈદરાબાદથી લગભગ 80 કિમી દૂર છે.
આ મંદિરનું સંકુલ 14.5 એકરમાં ફેલાયેલું છે અને તેનું પુનર્નિર્માણ વર્ષ 2016માં શરૂ થયું હતું. જ્યારે આ મંદિર ટાઉનશીપ પ્રોજેક્ટ 2500 એકરમાં ફેલાયેલો છે. આ વિશાળ અને ભવ્ય મંદિરની એક વિશેષતા એ છે કે તેના પુનઃનિર્માણ કાર્યમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરના પુનઃનિર્માણમાં 2.5 લાખ ટન ગ્રેનાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ખાસ આંધ્ર પ્રદેશના પ્રકાશમથી લાવવામાં આવ્યો છે. આ સિવાય મંદિરના પ્રવેશદ્વાર પિત્તળના બનેલા છે. તેમાં સોનું ગોઠવવામાં આવ્યું છે.
મંદિરના ગોપુરમ એટલે કે વિશેષ દ્વાર પર જ 125 કિલો સોનું જડવામાં આવ્યું છે. આ માટે સીએમ કેસીઆર સહિત ઘણા મંત્રીઓએ સોનું દાન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેસીઆરના પરિવાર દ્વારા લગભગ દોઢ કિલો સોનું દાન કરવામાં આવ્યું છે. આ મંદિરની ડિઝાઈન પ્રખ્યાત ફિલ્મ સેટ ડિઝાઈનર આનંદ સાઈ દ્વારા તૈયાર કરવામાં આવી છે.