ઉત્તર પ્રદેશના લખીમપુરના ખેરી જિલ્લામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ જિલ્લાના શિક્ષણ વિભાગને હચમચાવી નાખ્યું છે. આ વાયરલ વીડિયોમાં એક શિક્ષક, મહિલા શિક્ષામિત્રને ચપ્પલ વડે માર મારી રહ્યો છે. કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે. જાહેરમાં થયેલા અપમાનથી ગુસ્સે ભરાયેલ શિક્ષિકાએ પણ તેને ચપ્પલથી મારવાનો પણ પ્રયાસ કર્યો હતો.
આ ઘટના લખીમપુરના સદર બ્લોક સ્થિત મહાગુખેડા પ્રાથમિક શાળામાં બની હતી. શિક્ષકની આ હરકતથી શિક્ષામિત્ર સંઘ પણ નારાજ છે. મળતી માહિતી મુજબ, સીમા નામની શિક્ષિકા શિક્ષામિત્ર તરીકે મહાગુખેડા સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. ત્યાંના કાયમી શિક્ષક અજિત કુમાર વર્મા હાજરી પત્રકમાં સહી કરવા અંગેના વિવાદને લઈને દલીલ દરમિયાન ગુસ્સે થયા હતા. તેમણે પિત્તો ગુમાવ્યો હતો અને શાળાના બાળકોની ઉપસ્થિતિનો પણ વિચાર કર્યા વગર તમામ મર્યાદાઓને નેવે મુકીને મહિલા શિક્ષિકા સીમા પર ચપ્પલ વડે હુમલો કર્યો હતો.
જેમાં સીમાને ઈજા થઈ હતી. મહિલા શિક્ષિકા અને શિક્ષક બંને વચ્ચે ઘણી ઝપાઝપી થઇ હતી. આ ઝપાઝપી વાયરલ વીડિયોમાં દેખાઈ રહી છે. ઘણા હંગામા બાદ આસપાસ ઉભેલા લોકોએ કોઈ રીતે મામલો થાળે પાડ્યો હતો. એવું કહેવાય છે કે લખીમપુર સદર બ્લોકની મહાંગુખેડા પ્રાથમિક શાળાના શિક્ષકે એક દિવસ પહેલા જ મહિલા શિક્ષામિત્ર સીમા હાજર હોવા છતાં તેમની ગેરહાજરી પુરી હતી. બીજા દિવસે જ્યારે સીમાએ પોતાના રજિસ્ટરમાં ગેરહાજરી જાેઈ ત્યારે તે આ અંગે ફરિયાદ કરવા આચાર્ય પાસે પહોંચી હતી. તેની ફરિયાદ સાંભળીને આરોપી શિક્ષકનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.
તેણે બાળકોની સામે પોતાના ચપ્પલ ઉતાર્યા અને શિક્ષામિત્ર સીમાને મારવાનું શરૂ કર્યું હતું. આ બનાવ અંગે મહિલા શિક્ષિકા સીમાદેવી કહે છે, કે અજિતકુમાર વર્મા તેમની હાજરી પછી પણ તેને ગેરહાજરી રજિસ્ટરમાં મુકતા હતા. જ્યારે તેણે આ અંગે માહિતી માંગી તો તે ગુસ્સામાં આવી ગયા અને તેને ચપ્પલથી મારવા લાગ્યા હતા.આ શિક્ષણજગત માટે ઘણી શરમજનક ઘટના છે. આ બાબતે તેણે ખેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસને ન્યાયની અપીલ કરી છે. શિક્ષક અજિત વર્મા સામે કડક માં કડક કાર્યવાહી કરવાની દરખાસ્ત મૂકી છે.