ભારતમાં ઘણી એવી વિચિત્ર જગ્યાઓ છે, જેના વિશે તમે અવારનવાર સમાચારોમાં સાંભળતા હશો. ક્યાંક એવો દાવો કરવામાં આવે છે કે અહીં ભૂત-પ્રેતનો પડછાયો છે, તો ક્યાંક વાતાવરણ અને આસપાસનો માહોલ વિચિત્ર છે, જેના કારણે ત્યાંના લોકોને મુશ્કેલી પડે છે. પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં માણસોને નહીં પરંતુ પક્ષીઓને સમસ્યા થાય છે. આ સ્થળે, પક્ષીઓ આવે છે અને આત્મહત્યા કરે છે. આસામની બોરેલ પહાડીઓની વચ્ચે આવેલું જટીંગા ગામ તેની રહસ્યમયતાને કારણે દેશભરમાં પ્રખ્યાત છે.
આ ગામને ‘સ્યુસાઈડ પોઈન્ટ ઓફ બર્ડ્સ’ કહેવામાં આવે છે. કારણ કે ગામમાં પક્ષીઓ આત્મહત્યા કરે છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે અહીં ૧-૨ નહીં, મોટી સંખ્યામાં પક્ષીઓ આત્મહત્યા કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં માત્ર સ્થાનિક પક્ષીઓ જ નહીં, બહારથી આવતા પ્રવાસી પક્ષીઓ પણ આવીને આત્મહત્યા કરે છે. સામાન્ય રીતે આત્મહત્યાને લગતી વાતો માત્ર મનુષ્યો માટે જ સાંભળવા મળે છે. પરંતુ પ્રાણીઓમાં આ એકદમ આશ્ચર્યજનક ઘટના જણાય છે. ઘણા અહેવાલો અનુસાર, પક્ષીઓ અહીં ખૂબ જ ઝડપે ઉડે છે અને ઇમારતો અથવા વૃક્ષો સાથે અથડાય છે.
આ અથડામણમાં તેમને ઘણી ઇજા થાય છે જેના કારણે તે ઉડી પણ શકતા નથી અને બાદમાં તે મૃત્યુ પામે છે. આપઘાતની આ ઘટનાઓ સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનામાં વધુ હોય છે, જ્યારે સાંજે ૭ થી ૧૦ વાગ્યા સુધી અહીં પક્ષીઓ પોતાનો જીવ લઈ લે છે. બાકીના દિવસોમાં તે ઉડતા જાેવા મળે છે. સ્થાનિક અને સ્થળાંતર કરનારા પક્ષીઓની ૪૦ પ્રજાતિઓ અહીં આત્મહત્યા કરે છે. કુદરતી કારણોસર જટાંગા રાજ્યના અન્ય શહેરોથી લગભગ ૯ મહિના સુધી કપાઈ જાય છે. રાત્રી દરમિયાન આ ગામમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ છે.
પક્ષી નિષ્ણાતો માને છે કે વધુ ચુંબકીય બળ આ રહસ્યમય ઘટનાનું કારણ છે. એટલે કે અહીં ચુંબકીય શક્તિ ઘણી વધારે છે. એવું પણ માનવામાં આવે છે કે ધુમ્મસથી ભરેલી મોસમમાં અહીં પવન ખૂબ જ ઝડપથી ફૂંકાય છે. આને કારણે, પક્ષીઓ પ્રકાશના સ્ત્રોતની નજીક ઉડે છે. લાઈટના અભાવે તેઓ સ્પષ્ટ જાેઈ શકતા નથી અને તેઓ ઘરો, વૃક્ષો અને વાહનો સાથે અથડાય છે. ગામ લોકોનું માનવું છે કે ગામમાં કોઈ એવી અશુભ શક્તિ છે જે પક્ષીઓને અહીં જીવવા દેતી નથી.