યુવતીઓના લગ્ન કરવા માટે તથા અપહરણની વચ્ચે ઉત્તરપ્રદેશના બીજનૌરમાં ઉલટી ગંગા વહી છે.અહીંયા એક યુવતીએ લગ્ન કરવા માટે બંદુકની અણીએ ધોળા દિવસે એક યુવકને ઉઠાવી લીધો હોવાનો કિસ્સો બન્યો છે.
જે યુવકનુ અપહરણ કરાયુ હતુ તે એક જજનો સ્ટેનોગ્રાફર છે.
યુવતીએ તેના ભાઈ અને બીજા એક મિત્ર સાથે મળીને યુવકનુ અપહરણ કર્યુ હતુ. આ યુવક સાથે યુવતી લગ્ન કરવા માંગતી હતી અને આ માટે લગ્નના કપડા પણ સાથે લઈને જ આવી હતી. એ પછી મંદિરમાં બળજબરથી લગ્ન કરવાની કોશિશ કરતી વખતે યુવતી અને બીજા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.યુવકને પોલીસે ગુરુવારની રાતે શોધી કાઢ્યો હતો. આરોપીઓનુ કહેવુ હતુ કે, યુવતી સાથે સ્ટેનોગ્રાફર યુવકની સગાઈ થઈ ચુકી હતી.
૨૫ મેના રોજ લગ્ન થવાના હતા પણ યુવકે મોબાઈલ પર વાતચીત દરમિયાન ઝઘડો થયા બાદ લગ્ન માટે અચાનક ઈનકાર કરી દીધો હતો. જાેકે યુવતી લગ્ન કરવાની જીદ પર કાયમ હતી. જેના પગલે યુવક બાઈક પર કોર્ટ જઈ રહ્યો હતો ત્યારે હાઈવે પર યુવતી અને બીજા બે આરોપીઓએ તેનુ અપહરણ કરી લીધુ હતુ અને કારમાં તેને ભગાડી ગયા હતા.