ઝારખંડ રાંચી સ્થિત બિરસા મુંડા એરપોર્ટને સોમવારે ત્રીજી વખત બોમ્બથી ઉડાવાની ધમકી આપવામાં આવી હતી. આ વખતે પણ એરપોર્ટના એક અધિકારીના નંબર પર ટેક્સ્ટ મેસેજથી ધમકી આપવામાં આવી હતી. મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, જાે ૨૦ લાખ રૂપિયા ન આપવામાં આવ્યા તો તે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેશે. એરપોર્ટ પ્રબંધને તેની સૂચના પોલીસને આપી દીધી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
આ અગાઉ ૨૮ અને ૨૯ જુલાઈના રોજ પણ આ જ નંબરથી ધમકી આપવામાં આવી હતી. ધમકી આપનારને હજુ સુધી પોલીસ નથી પકડી શકી. બિરસા મુંડા એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે, ફરી એક વખત રાંચી એરપોર્ટને ઉડાવાની ધમકી મળી છે. એવું બની શકે કે, કોઈ તમને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યું હોય. જાેકે એરપોર્ટ મેનેજમેન્ટ એરપોર્ટ અને અહીં આવતા લોકોની સુરક્ષાને લઈને સતર્ક છે. આ સિવાય ધમકીના કેસની પણ તપાસ કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસને લઈને પણ એરપોર્ટ હાઈ એલર્ટ પર છે.