પટનામાં ગંગા નદીમાં 50 લોકોને લઈ જતી બે બોટ અથડાઈ હતી જેના કારણે બંને બોટ નદીમાં પલટી જતાં તેમાં સવાર લોકો નદીમાં પડી ગયા હતા. આમાંથી મોટાભાગના લોકોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 8 થી 10 લોકો હજુ પણ લાપતા છે. SDRFની ટીમ તેમની શોધમાં લાગેલી છે. અકસ્માત સ્થળથી 3 કિમીની ત્રિજ્યામાં ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે. માનવામાં આવી રહ્યું છે કે ગંગાના જોરદાર પ્રવાહને કારણે બંને બોટનું સંતુલન બગડવાને કારણે આ અકસ્માત થયો હતો.
અહીં માનેર સીઓ (સર્કલ ઓફિસર) એ જણાવ્યું કે આ અકસ્માત શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના શેરપુર ઘાટ પર રવિવારે સાંજે 5.30 વાગ્યે થયો હતો. જેમાં બે બોટની ટક્કરથી લગભગ 50 લોકો ગંગા નદીમાં પડી ગયા હતા જેમાંથી 40-42 લોકો સુરક્ષિત બહાર આવ્યા હતા. 8 થી 10 લોકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દાઉદ પુરના રહેવાસીઓ લગભગ 50 લોકો હોડીમાં પશુ ચારો લઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન શેરપુર ઘાટ પાસે ગંગામાં અચાનક પાણીના પ્રવાહને કારણે બંને બોટ અથડાઈ હતી. માહિતી મળતાની સાથે જ એસડીઆરએફની એક બોટ અને ગ્રામજનોની બે બોટ સાથે ગંગામાં બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. આ ઘટના બાદ ગામના લોકો શાહપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આ મામલે પોલીસની મદદ માંગી.
ત્યારબાદ શાહપુર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે એસડીઆરએફ અને ડાઇવર્સની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું. હાલ ગુમ થયેલ વ્યક્તિનો મૃતદેહ મળ્યો નથી. શાહપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ શબ્બીર આલમે જણાવ્યું કે બોટમાં લગભગ 50 લોકો સવાર હતા. આ અકસ્માતમાં 8 થી 10 લોકો ગુમ થયા છે. પોલીસે કેટલાક લોકોની યાદી જાહેર કરી છે.
- રામધર રામ 65 વર્ષ
- કંચન દેવી 35 વર્ષ
- ભોલા કુમારી 12 વર્ષ
- આરતી કુમારી 14 વર્ષ
- કુમકુમ દેવી
- વિનોદ રાય
- છોટુ રામ
- મહેશ રામ