India News: ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે શાળાઓમાં હજારો બાળકો છે પરંતુ તેમને ભણાવવા માટે માત્ર થોડા શિક્ષકો જ છે. પરંતુ ઉત્તરાખંડની એક શાળાની કહાની બધા કરતાં વિપરીત છે. નૈનીતાલના ઘુઘુખામ ગામની આ પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાક વર્ષોમાં બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે અહીં માત્ર એક જ બાળક ભણવા આવે છે, અને તેને ભણાવવા માટે બે શિક્ષકો છે.
બાળકો ગામડાની શાળા છોડીને શહેરમાં જતા રહ્યાં
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘુઘુખામ ગામની વસ્તી 500થી થોડી વધારે છે અને તે જિલ્લા મુખ્યાલયથી 19 કિલોમીટર દૂર છે. આ પ્રાથમિક શાળા આસપાસની એકમાત્ર શાળા છે. તેથી બાળકોની ઓછી સંખ્યા અધિકારીઓ માટે ચિંતાનો વિષય છે. શાળાની મુખ્ય શિક્ષિકા શબાના સિદ્દીકીના જણાવ્યા અનુસાર, આસપાસના ગામડાના લોકો તેમના બાળકોને આ સરકારી શાળામાંથી બહાર કાઢીને શહેરની ખાનગી શાળાઓમાં મોકલી રહ્યા છે. તેણે કહ્યું કે આ જ કારણ છે કે હવે શાળામાં એક જ બાળક બચ્યું છે, જેને ભણાવવા માટે બે શિક્ષકો છે.
શાળામાં બે શિક્ષકો, પણ એક જ બાળક
જિલ્લા શિક્ષણાધિકારી જગમોહન સોનીએ જણાવ્યું હતું કે તેઓ આ પ્રાથમિક શાળાનું નિરીક્ષણ કરશે અને બાળકોને પાછા લાવવા માટે તમામ પ્રયાસો કરશે. જો શાળાની હાલત આવી જ રહેશે તો તેઓ બંને શિક્ષકોને અન્ય કોઈ શાળામાં મોકલશે જ્યાં વધુ બાળકો અભ્યાસ કરે છે. પરંતુ આ એક પ્રશ્ન ઉભો કરે છે – જો શિક્ષકોને દૂર કરવામાં આવશે, તો શું ઘુઘુખામ ગ્રામસભાની આ જ શાળા બંધ થઈ જશે?