મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રામનવમીના દિવસે ફરી એક વખત ભાજપને આડેહાથ લીધું હતું. ઉદ્ધવ છાકરેએ કહ્યું હતું કે, ભાજપ પાસે હિંદુત્વની ‘પેટન્ટ’ નથી. શિવસેનાના દિવંગત સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેએ ભાજપને બતાવી આપ્યું હતું કે, ‘ભગવા અને હિંદુત્વ’ના મેળથી કેન્દ્રની સત્તા હાંસલ કરવામાં મદદ મળી શકે છે.
ઠાકરેએ જણાવ્યું કે, ભાજપથી વિપરિત શિવસેના હંમેશાથી ‘ભગવા અને હિંદુત્વ’ને લઈ પ્રતિબદ્ધ રહી છે જ્યારે ભાજપના ભારતીય જનસંઘ અને જનસંઘ જેવા અલગ અલગ નામો છે જે વિભિન્ન વિચારધારા પ્રસારિત કરે છે. ઉદ્ધવ ઠાકરેએ વર્ષ ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોલ્હાપુર બેઠક પર શિવસેનાના ઉમેદવારને મળેલી હાર માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું હતું.
તે સમયે બંને પાર્ટી વચ્ચે ગઠબંધન હતું. ઠાકરેએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે, શું ૨૦૧૯ની ચૂંટણીમાં આ બેઠક પર ભાજપનું કોંગ્રેસ સાથે ગુપ્ત ગઠબંધન હતું. ઠાકરેએ જણાવ્યું કે, ભાજપા પાસે હિંદુત્વની પેટન્ટ નથી. મને આશ્ચર્ય થાય છે કે, જાે ભગવાન રામનો જન્મ ન થયો હોત તો ભાજપ રાજકારણમાં કયો મુદ્દો ઉઠાવેત. કારણ કે, ભાજપ પાસે મુદ્દાઓની ઉણપ છે અને એટલે જ તે ધર્મ અને નફરત ફેલાવવાની વાતો કરી રહ્યું છે.