ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ માટે જે ટિપ્પણી કરી તે ખૂબ જ ચર્ચામાં છે. ભાજપના મજબૂત નેતા તરીકેની છબિ ધરાવતા ગડકરીના શબ્દોમાં કોંગ્રેસ માટે હમદર્દી અને પ્રોત્સાહનનો ભાવ જાેવા મળ્યો હતો. એક કાર્યક્રમ દરમિયાન નિતિન ગડકરીએ જણાવ્યું કે, લોકશાહી માટે એક મજબૂત કોંગ્રેસની ખૂબ જ જરૂર છે. તેઓ ઈચ્છે છે કે, ચૂંટણીઓમાં સતત હારી રહેલી કોંગ્રેસ ફરી મજબૂત બને અને પાર્ટીના નેતાઓ નિરાશ થઈને પાર્ટી છોડીને ન જાય.
ગડકરીએ એમ પણ કહ્યું કે, કમજાેર કોંગ્રેસનો મતલબ છે કે, ક્ષેત્રીય પાર્ટીઓ મુખ્ય વિપક્ષી પાર્ટીનું સ્થાન લઈ રહી છે જે સારા સંકેત નથી. ગડકરીએ જણાવ્યું કે, લોકશાહી બે પૈડા પર ચાલે છે- સત્તારૂઢ વ્યવસ્થા અને વિપક્ષ વડે. લોકશાહી માટે મજબૂત વિપક્ષ એક જરૂરિયાત છે માટે હું ઈચ્છું છું કે, કોંગ્રેસ મજબૂત બને. જવાહરલાલ નેહરૂ એક ઉદાહરણ છે. અટલ બિહારી વાજપેયી જ્યારે લોકસભાની ચૂંટણી હારી ગયા હતા ત્યારે પણ નેહરૂ તેમનું સન્માન કરતા હતા.’