રાજસ્થાનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. મરુધરામાં રેતીના ટેકરા એટલા ગરમ થવા લાગ્યા છે કે તેના પર પાપડ શેકવામાં આવે છે. પશ્ચિમ રાજસ્થાનમાં 45 થી 47 ડિગ્રી તાપમાન વચ્ચે સરહદ સુરક્ષા દળના જવાનોએ ભારત-પાકિસ્તાનની સરહદ પર રેતીમાં પાપડ સેકી બતાવ્યા છે. આનાથી ખ્યાલ આવે છે કે આ જવાનો કયા સંજોગોમાં દેશની સુરક્ષાના મોરચે ઉભા છે. રેતી પર પાપડ શેકવાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો બિકાનેર જિલ્લાનો છે. આ વીડિયોમાં બિકાનેર જિલ્લાના બજ્જુ વિસ્તારમાં બીએસએફ જવાનોએ થોડા સમય માટે સળગતી રેતીની અંદર પાપડ રાખ્યા હતા. તરત જ પાપડ શેકાઈ ગયા. જવાનોએ તેનો વીડિયો બનાવ્યો હતો. આ અગાઉ ચુરુ જિલ્લામાં કાળઝાળ ગરમી દરમિયાન રેતીના ટેકરાઓ વચ્ચે આગ વિના આમલેટ બનાવવામાં આવતું હતું. આ વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે ગરમ રેતી વચ્ચે આ સૈનિકોને કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.