જાતિગત ભેદભાવને માત આપવા માટે કોંગ્રેસના એક વિધાયકે અનોખી પહેલ કરી જે ખુબ ચર્ચામાં છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દેશ હાલ ૨૧મી સદીમાં આગળ વધી રહ્યો છે ત્યાં હજુ પણ અનેક ઠેકાણે જાત પાતના ભેદભાવનું દૂષણ લોકો સહી રહ્યા છે. કર્ણાટક કોંગ્રેસ વિધાયક બી ઝેડ ઝમીર અહેમદ ખાને જાતિગત ભેદભાવ સામે લડત આપવા અને લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે જે કામ કર્યું તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
જાે કે આ વીડિયોને લોકોનો મિશ્ર રિસ્પોન્સ મળી રહ્યો છે. વાત જાણે એમ છે કે તેમણે પહેલા એક દલિત સંતને ભોજન કરાવ્યું અને પછી તેમના મોઢામાંથી કોળિયો કાઢીને પોતે ખાઈ લીધો. કોંગ્રેસના વિધાયકનું કહેવું છે કે આવું તેમણે એ સાબિત કરવા માટે કર્યું કે જાતિ અને ધર્મમાં કોઈ ભેદ નથી. અત્રે જણાવવાનું કે દલિત સંત નારાયણ સ્વામીજી ૨૨ મેના રોજ ડો. આંબેડકર જયંતી અને ઈદ મિલાદની ઉજવણી માટે એક કાર્યક્રમમાં આવ્યા હતા.
તે વખતે કોંગ્રેસના આ વિધાયક જાતિગત ભેદભાવ વિરુદ્ધ સ્પીચ આપી રહ્યા હતા. તેમણે આ જે કામ કર્યું તેનાથી ત્યાં હાજર લોકો દંગ રહી ગયા હતા. દલિત સંતના મોઢામાંથી કોળિયો કાઢીને પોતે ખાઈને દર્શાવ્યું કે માણસાઈ સૌથી મહત્વની છે. તેમણે આ સાથે એમ પણ કહ્યું કે માણસાઈ જાતિ અને ધર્મ કરતા ઉપર છે. આ ધારાસભ્યએ કાર્યક્રમમાં સામેલ તમામ કાર્યકરોને ભોજન પીરસ્યું હતું. તેમણે કહ્યું કે આપણે બધાએ ભાઈચારો રાખીને રહેવું જાેઈએ.