Ram Mandir: અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા. 22મીના રોજ આ કાર્યક્રમ યોજાનાર છે ત્યારે દેશભરમાં કેટલાં ગામ-શહેરનાં નામમાં રામનામની સુવાસ મહેકે છે, તેના પર એક નજર નાખવાનું રસપ્રદ નીવડશે.
આપણે વાતવાતમાં કહીએ છીએ કે, સબ ભૂમિ ગોપાલ કી, પરંતુ એ વાત સાચી પણ લાગે છે. કેમ કે, વર્ષ 2011ની વસ્તીગણતરી અનુસાર, ભારતમાં 6,77,459 ગામો છે અને તેમાંના મોટા ભાગનાં ગામડાંનાં નામ દેવી-દેવતાનાં નામો પરથી રાખવામાં આવ્યાં છે. આ જોતાં લગભગ બધી જ ભૂમિ પર દેવી-દેવતા-ભગવાનનું જ રાજ ચાલે છે!
ગામ-નગરનાં નામોના સંદર્ભે જોઈએ તો સૌથી વધારે ગામોનાં નામો ભગવાન શ્રી રામના નામ પર છે. ઉત્તરથી દક્ષિણ ભારત સુધીમાં 3626 એવાં ગામો છે, જેનાં નામ ભગવાન રામના નામ પર આધારિત છે. તે ઉપરાંત તમામ શહેર, સ્કૂલ, હૉસ્પિટલ વગેરે અનેક સ્થળે રામનું નામ ગૂંથાયેલું જોવા મળે છે.
તો, લક્ષ્મણના નામ પર આધારિત 160 ગામો હોવાનું 2011ની વસ્તીગણતરીમાં સ્પષ્ટ થયું હતું. હનુમાનજીના નામે 367 ગામોનું નામકરણ થયેલું છે. સીતાજીનું નામ આવતું હોય તેવાં ગામોની સંખ્યા 75 છે. પરંતુ આશ્ચર્યની વાત છે કે, છ જેટલાં ગામો એવાં છે જેનાં નામ રાવણના નામ ઉપર આધારિત છે, જે મોટા ભાગે દક્ષિણ ભારતમાં છે. ત્રણ ગામોનાં નામ રાવણના પિતા અહિરાવણના નામ પર આધારિત છે.
ભગવાન શ્રીકૃષ્ણના નામ પર આધારિત નામ ધરાવતાં કુલ 3309 ગામો છે, તો, રામાયણ અને મહાભારતનાં પાત્રોનાં નામો પર આધારિત નામો પણ અનેક ગામો-નગરોએ રાખેલાં છે.
ખાસ કરીને દક્ષિણ ભારતમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં અનેક ગામો એવાં છે જેનાં નામ અયોધ્યાના નામ પર છે. રામ અને કૃષ્ણ ઉપરાંત તમામ દેવી-દેવતાઓનાં નામે ગામનાં નામ પડેલાં છે. ભગવાન બદ્રીના નામ પર આધારિત 37 ગામો છે, તો ભગવાન કેદારનાથના નામ પર આધારિત નામ ધરાવતાં 75 ગામો છે.