મહારાષ્ટ્રમાં હાલ શિવસેના વિરુદ્ધ શિંદેની લડત હવે શિવસેના પર કબજાની લડાઈમાં ફેરવાતી જાેવા મળી રહી છે. શિવસેનાના ૫૫ ધારાસભ્યોમાંથી બે તૃતિયાંશ એટલે કે ૩૭થી વધુ વિધાયકો પોતાની સાથે હોવાથી ગદગદ થઈ ગયેલા એકનાથ શિંદે હવે એવો દાવો કરી રહ્યા છે કે પાર્ટીના ૪૦થી વધુ વિધાયકો તેમની સાથે છે અને આગળ પાર્ટીના વધુ વિધાયકો તેમની સાથે જાેડાઈ શકે છે.
ઉદ્ધવ ઠાકરે પર હિન્દુત્વ છોડવાનો આરોપ લગાવતા શિંદે હવે બાળાસાહેબ ઠાકરેના વારસા, શિવસેા અને તેમના ચૂંટણી ચિન્હ સુદ્ધા પર પોતાની દાવેદારી જતાવી રહ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારમાં સામેલ એનસીપીના સુપ્રીમો શરદ પવારે પણ શિવસેનાના સુરમાં સુર મેળવતા આ રાજકીય ધમાલ માટે સીધી રીતે ભાજપને જવાબદાર ઠેરવી દીધુ. પરંતુ જે ભાજપ પર તેઓ આ આરોપ લગાવી રહ્યા છે તે પણ હવે તેને શિવસેનાનો આંતરિક મામલો ગણાવીને આ લડતના અંતિમ પરિણામની રાહ જાેઈ રહ્યું છે.
વાત જાણે એમ છે કે શિવસેનામાં મચેલા આ ઘમાસણને લઈને ભાજપનું અત્યાર સુધીનું સ્ટેન્ડ એવું રહ્યું છે કે સત્તા માટે હિન્દુત્વ છોડનારી શિવસેનામાં મોડે મોડે પણ આવું થવાનું જ હતું. ભાજપ હજુ પણ મહારાષ્ટ્રની ગઠબંધન સરકારને અસ્વાભાવિક ગઠબંધન ગણાવીને એવું જ કહે છે કે મહારાષ્ટ્રની જનતાએ ભાજપ-શિવસેનાને જનાદેશ આપ્યો હતો પરંતુ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી બનવાના મોહમાં તેમને (ભાજપ) દગો કરીને કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવી લીધો. અજિત પવાર પ્રકરણમાં પછડાટ ખાઈ ચૂકેલું ભાજપ આ વખતે કોઈ પણ ઉતાવળ કરવાના મૂડમાં નથી.
આથી તે શિવસેના વિરુદ્ધ શિંદેની લડતમાં છેલ્લા પરિણામની રાહ જાેઈ રહ્યું છે. ભાજપને એકનાથ શિંદેની ઓફર પર ઉદ્ધવ ઠાકરેના અંતિમ ર્નિણયનો પણ ઈન્તેજાર છે. જેમાં શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને એનસીપી-કોંગ્રેસનો સાથ છોડીને ફરીથી ભાજપ સાથે આવવાની સલાહ આપી હતી. પાર્ટીના અનેક નેતાઓનું માનવું છે કે જાે સરકાર અને પાર્ટી બંને હાથમાંથી જતા જાેઈને બચવાનો કોઈ બીજાે રસ્તો નહીં દેખાય તો ઉદ્ધવ ઠાકરે ગંઠબંધનના જૂના સાથે તરફ ફરીથી ઢળી શકે છે. આ જ કારણ છે કે ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, શરદ પવાર અને કોંગ્રેસ નેતાઓના આકરા હુમલા અને આરોપો છતાં ભાજપનું ટોચનું નેતૃત્વ હાલ શાંત છે.