કર્ણાટક કોંગ્રેસના પ્રવક્તા અને ધારાસભ્ય પ્રિયંક ખડગેએ ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માટે, “છોકરાઓને લાંચ આપવી પડે છે જ્યારે છોકરીઓએ કોઈની સાથે સૂવું પડે છે”. તેમણે ભરતી કૌભાંડોમાં ન્યાયિક તપાસ અથવા વિશેષ તપાસ ટીમ (SIT) ની રચનાની માંગ કરી હતી અને સરકારને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવા પણ અપીલ કરી હતી.
ખડગેએ વિવિધ પદો પર ભરતીમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો દાવો કર્યો અને કહ્યું- ‘સરકારે પદો વેચવાનો નિર્ણય કર્યો છે. મંત્રીએ કામ માટે યુવતીને તેની સાથે સુવા કહ્યું હતું. કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ તેમણે રાજીનામું આપ્યું અને આ મારા શબ્દોનો પુરાવો છે.
ન્યૂઝ એજન્સી અનુસાર પ્રિયંક ખડગેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (KPTCL) એ સહાયક એન્જિનિયર, જુનિયર એન્જિનિયર અને સિવિલ એન્જિનિયર સહિત કુલ 1,492 પદોની ભરતી કરી છે. બ્લૂટૂથનો ઉપયોગ કરીને પરીક્ષા આપનાર ઉમેદવારની ગોકાકમાં ધરપકડ કરવામાં આવી છે. શક્ય છે કે આ ડીલ કુલ 600 પોસ્ટ માટે થઈ હોય. આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ માટે રૂ. 50 લાખ અને જુનિયર ઇજનેર માટે રૂ. 30 લાખ લેવામાં આવ્યા હોવાની પણ શંકા છે. 300 કરોડની ઉચાપત એકલા હાથે થઈ હોવાની શક્યતા છે.
દરેક ભરતી પરીક્ષામાં ગેરરીતિ થાય તો ગરીબ અને હોશિયાર વિદ્યાર્થીઓએ ક્યાં જવું? ગુનેગારો અને વચેટિયાઓ જાણે છે કે કૌભાંડ પ્રકાશમાં આવશે તો પણ તેમને કંઈ થશે નહીં. KPTCLની જગ્યાઓ માટે અરજી કરનારા લગભગ 3 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સરકાર રમત રમી રહી છે.