ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂકની અટકળો વચ્ચે રાજયની બે વિધાનસભાની પેટાચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. કડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી જાહેરાત પૂર્વે જ દાવેદારોનો રાફડો ફાટ્યો છે. જયારે બીજી તરફ, ટિકિટવાંચ્છંઓએ ટિકિટ મેળવવા લોબિંગ શરૂ કરી દીધું હોવાનું જાણવા મળેલ છે.
અનામત વિધાનસભા બેઠક કડીમાં છેલ્લાં બે ટર્મથી સતારૂઢ ભાજપના ધારાસભ્ય અને સિનિયર નેતા કરશનભાઈ સોલંકીનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી છે જેના પર ટૂંકસમયમાં પેટાચૂંટણી જાહેર થવાની શક્યતા છે. ભાજપે આ બેઠક જાળવી રાખવા અત્યારથી જ માઇક્રો પ્લાનિંગ શરૂ કર્યું છે તો બીજી તરફ, ભાજપના સ્થાનિકથી લઈ પ્રદેશ કક્ષાના જૂથોએ તેમના ચહેરાને ટિકિટ અપાવવા એડીચોંટીનું જોર શરૂ કર્યું હોવાનું જાણવા મળેલ છે.
જેમાં વણકર સમાજના આગેવાન નેતા અને ગુજરાત અનુ. જાતિ આર્થિક વિકાસ નિગમના પૂર્વ ચેરમેન રમેશ સોલંકીનું નામ દાવેદારોની યાદીમાં પ્રથમ હરોળમાં છે. તેઓ રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ પ્રમુખની દૌડમાં પ્રબળ મનાતા એક નેતાની નજીક હોવાનું મનાય રહ્યું છે, તો ઈડરના પૂર્વ ધારાસભ્ય અને આ જ બેઠક પર ભાજપના મેન્ડેટ સાથે અગાઉ ચૂંટણી લડનાર ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયા પણ પ્રદેશ મોવડી મંડળના રડારમાં હોવાથી તેમની પણ આ બેઠક પર દાવેદારીની ચર્ચા જાગી છે.
ઉપરાંત, મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના મોટાભાગના ટોચના નેતાઓની નજીક મનાતા પ્રહલાદ પરમાર(અગોલ) નું નામ પણ ટિકિટવાંચ્છુંઓની યાદીમાં ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિકથી લઈ પ્રદેશ સંગઠન અને સરકારમાં મજબૂત પક્કડ ધરાવતાં આ ચહેરાની સાથોસાથ પૂર્વ સાંસદ રતિલાલ વર્મના પુત્ર તથા ભાજપ અનુ.જાતિ મોર્ચાના મહામંત્રી દેવેન વર્માનું નામ પણ દાવેદારોની યાદીમાં ઉછળ્યું છે.
યુવાન ચહેરા તરીકે તેમના પર પણ પસંદગીનો કળશ ઢોળાય તેવી સ્થાનિક રાજકારણમાં ચર્ચા જાગી છે જ્યારે અંતમાં તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને હાલ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ગાંધીનગરના પ્રભારી તથા શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા ડૉ. પ્રહલાદ પરમાર કડી વિધાનસભાની પેટા ચૂંટણીના દાવેદારોની યાદીમાં સૌથી ટોચ પર હોવાની ચર્ચા છે.
મોટાગજાના સાંસદ અને સૌરાષ્ટ્રના એક દલિત નેતાના અત્યંત નિકટ ગણાતા આ નેતા પોતાની વાકચાતૂર્યથી લોકો વચ્ચે પ્રચલિત બન્યા છે. જેના કારણે તેમને પાર્ટી તક આપે તેવી શક્યતા છે. જોકે, સતત બે ટર્મ સુધી આ બેઠક પર ધારાસભ્ય રહેલાં સદ્દગત કરશનભાઈ સોલંકીના પુત્ર પીયુષને પણ પાર્ટી ટિકિટ આપે તેવી ચર્ચા જાગી છે. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસમાંથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દલિત નેતા તરીકે ઉભરી આવ્યા છે ત્યારે ભાજપ પણ આ બેઠક પર દલિત સમાજના સર્વ સ્વીકૃત ચહેરાને તક આપે તેવી શક્યતા વધી છે. હાલ તો ટૂંકસમયમાં જ પેટાચૂંટણીની જાહેરાત થવાના ભણકારા સંભળાઈ રહ્યા છે ત્યારે હાલ ટિકિટ મેળવવા તમામ જૂથોએ લોબિંગ શરૂ કરતાં ચૂંટણી પૂર્વે જ કડી સહિત મહેસાણાનું રાજકારણ ગરમાયું છે.