ઈન્ટરનેટના મોંઘેરા મોભીઓ
-અલ્પેશ કારેણા
Lok Patrika Special: આજનો યુવાન મોટાભાગનો સમય સોશિયલ મીડિયામાં જ પસાર કરતો જોવા મળે છે. એમાં પણ ઈન્સ્ટાગ્રામ પર જ્યારથી રિલ્સનું ફિચર આવ્યું છે ત્યારથી ઘણા યુવાન યુવતીઓ પોતાનો મોટાભાગનો સમય એવા વિતાવી રહ્યા છે. કરોડોની સંખ્યામાં યુઝરો સોશિયલ મીડિયા પર હાજર છે અને કંઈક કંઈક જોતા રહે છે. ત્યારે ઈન્સ્ટાગ્રામ પર ઘણા ચહેરાઓનું નામ પ્રખ્યાત છે, કે જેઓએ પોતાની કળાથી લાખો લોકોનું દિલ જીતી લીધું છે અને લાખોમાં ફેન ફોલોઈંગ પણ ધરાવે છે. આવી જ એક હસતી, સેલેબ્રિટી અને ઈન્ટરનેરના મોંઘેરા મોભી એટલે કે સુરતની રુચા પ્રજાપતિ. જે સ્પીડમાં ઈન્સ્ટાગ્રામમાં એમનું ફેન ફોલોઈંગ વધી રહ્યું છે એની સામે તો બુલેટ ટ્રેનની ગતિ પણ ફિક્કી પડી છે. કારણ કે દર મહિને એક લાખનું ફેન ફોલોઈંગ વધારવું એ કોઈ બચ્ચાના ખેલ નથી. તો આવો જાણીએ રૂચા પ્રજાપતિની કળા વિશે, આ લાઈનમાં કઈ રીતે પ્રવેશ કર્યો, કેવા કેવા વીડિયો બનાવે છે, વીડિયો બનાવતી વખતે શું શું ધ્યાન રાખે છે… જેવા અનેક મુદ્દાઓ વિશે.
પરિવાર અને સોશિયલ મીડિયા બન્ને સંભાળે
મૂળ અમદાવાદની 25 વર્ષની રૂચા હાલમાં સુરત ખાતે પોતાના પતિ અને સાસુ સસરા સાથે રહે છે. ઘરમાં એક વહુ તરીકે જવાબદારીની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઉંચુ નામ ધરાવે છે. ઈન્સ્ટાગ્રામ પર 5 લાખ લોકો અને યુ-ટ્યુબર પર 5000 કરતાં વધારે લોકો રૂચાને ફોલો અને સબસ્ક્રાઈબ કરી રહ્યા છે. આ લોકોને બધી રીતે મનોરંજન મળે એનું રૂચા પુરેપુરુ ધ્યાન રાખે છે. આમ તો રૂચાને કોલેજ સમયથી જ વીડિયો બનાવવાની અને એક્ટિંગ કરવાનો શોખ હતો. પરંતુ એ સમયે ઘરમાંથી એક્ટિંગ માટે બહાર જવાની ના હતી. એટલે રૂચા પોતે જ પોતાનો વીડિયો બનાવી શોખ પુરા કરતી અને આત્મસંતોષનો અનુભવ કરતી. પરંતુ આ શોખ હતો એટલે એ ગમે ત્યારે બહાર આવશે એ નક્કી હતું. જ્યારે કોલેજ પુરી થઈ પછી 6 મહિના જેવી શિક્ષિકા તરીકેની નોકરી પણ કરી.
2023માં એન્ટ્રી મારી અને તહેલકો મચાવી દીધો
કોલેજના બીજા વર્ષમાં રૂચાએ નાટક અને થિયેટરમાં ભાગ લીધો હતો. પરંતુ કંઈ વધારે પરફોર્મ કરવાનો મોકો નહોતા મળ્યો. પરંતુ કોલેજ અને નોકરી બાદ શરૂઆતમાં રૂચાએ અનેક નાની મોટી એપ્લિકેશનમાં પોતાના વીડિયો બનાવી દર્શકોને મનોરંજન પુરુ પાડ્યું હતું. ટિકટોક જેવી અનેક એપ્લિકેશનમાં લાખો ફોલોઅર્સ સાથે રૂચાનો ચહેરો આખા જગમાં પ્રખ્યાત હતો જ.
View this post on Instagram
એવામાં જ રૂચાના લગ્ન થયા અને આવી ઘણી બધી એપ્લિકેશન પર પણ પ્રતિબંધ લાગી ગયો. એટલે હવે ઈન્સ્ટાગ્રામ પર આવવાનો સમય થઈ ગયો હતો. એમાં જ સાથ મળ્યો એમના બિઝનેસમેન પતિ પ્રેરક ચૌધરીનો. પ્રેરકભાઈનું ટેક્નિકલ નોલેજ ગજ્જબનું. એટલે હવે રૂચાને ફોલોઅર્સ વધારવામાં અને વીડિયો ક્વોલિટીમાં પણ અનેકગણો ફાયદો મળવાનો હતો. એ રીતે 2023ના શરૂઆતમાં જ રૂચાએ ઈન્સ્ટાગ્રામ પર એન્ટ્રી મારી અને તહેલકો મચાવી દીધો.
5 લાખ લોકોનો ઈન્સ્ટા પરિવાર
રૂચા જણાવે છે કે મે 2023ની શરૂઆતમાં મારા ઈન્સ્ટાગ્રામની શરૂઆત કરી હતી. જ્યારે એકાઉન્ટ બનાવ્યું ત્યારથી જ હું પોસ્ટ કરવામાં નિયમિત છું. શરૂઆતમાં 6 મહિનામાં મારે 1 લાખ ફોલોઅર્સ થઈ ગયા હતા. એટલે કે જુન 2023માં રૂચા સાથે એક લાખ લોકો જોડાઈ ચૂક્યા હતા. ત્યારબાદ રૂચાએ એવા એવા વીડિયો પોસ્ટ કર્યા કે લોકો બુલેટ ટ્રેનની ગતિએ સાથે જોડાતા ગયા. દર મહિને એક લાખ આજુબાજુ ફોલોઅર્સ વધતા ગયા અને આજે 5 લાખ ફોલોઅર્સ પુરા કરવા જઈ રહી છે.
12 દેશોના લોકો રૂચા પર ઓળઘોળ
આમ તો રૂચાના અનેક વીડિયો ટ્રેન્ડમાં આવતા રહે છે. પરંતુ એમનો એક વીડિયો છે દાઢીવાળા રોણા ગીત પરનો… તે જેમાં રૂચાને અઢળક પ્રેમ મળ્યો અને કરોડ લોકોએ આ વીડિયો જોયો છે. આ એક નહીં પણ આવા અનેક વીડિયો કરોડ વ્યુઅર સુધી પહોંચ્યા છે. કેટલાય વીડિયો એવા છે કે જેમાં રૂચાને વિદેશમાંથી પણ લોકોએ વખાણ કર્યા હોય. રૂચા જણાવે છે કે હાલમાં લગભગ 12 દેશમાંથી આપણા ગુજરાતીઓ મારા વીડિયો જોઈ રહ્યા છે અને મને સપોર્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
જો ગુજરાતની વાત કરું તો અમદાવાદ, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં મારા સૌથી વધારે ફોલોઅર્સ છે. હું હાલમાં રોજની 6 પોસ્ટ કરું છું. 5 રિલ્સ અને એક ફોટો. રિલ્સમાં પણ સમય નક્કી કરી રાખ્યો છે એ સમયે અપલોડ કરી જ દેવાની. મારી પાસે 5 થી 10 રિલ્સ હંમેશા એડવાન્સમાં બનાવેલી જ હોય છે. કારણ કે ક્યારેક જો ચૂકાય જાય તો રિધમ ખોરવાઈ જાય અને જેના કારણે વ્યુઅરમાં ઘણા ઘટાડો જોવા મળતો હોય છે.
મારા પતિના લીધે જ અહીં પહોંચવુ શક્ય બન્યું છે
રૂચા જણાવે છે કે મારા વીડિયો બનાવવામાં ક્યુ ગીત લેવું, કેવો એંગલ લેવો, ક્યા સમયે પોસ્ટ કરવી, આગળ કઈ રીતે પ્લાન કરવો , થોડા વીડિયો બનાવીને પેન્ડિગ રાખવા… વગેરે જેવી ઘણા બાબતો હું મારા પતિ પાસેથી જ શીખી છું અને એમની મદદથી જ કામ કરી રહી છું. આમ તો તેઓ સવારથી જ પોતાના બિઝનેસને લઈ ઓફિસ પર નીકળી જાય છે. પરંતુ મારા સોશિયલ મીડિયાને લઈ તેઓ સતત સક્રિય રહે છે અને દરેક વાતોમાં સપોર્ટ કરે છે. તેઓ પોતે પોતાનું બધું કામ પડતું મૂકીને મને જ્યારે સથવારાની જરૂર હોય ત્યારે મારી પડખે ખભાથી ખભો મિલાવીને ઉભા રહે છે.
View this post on Instagram
મારે હાલમાં જે કઈ ફેન ફોલોઈંગ છે કે હું આગળ વધી છું એ મારા પતિના સાથ સહકાર સિવાય શક્ય નહોતું. ટેક્નિકલ રીતે અને સિલેક્શનથી લઈને વીડિયો અપલોડિંગ સુધી એમનું હંમેશા માર્ગદર્શન મળે છે. ક્યારેક હું થાકી ગઈ હોય તો એમ થાય કે આજે વીડિયો નવો નથી બનાવવો, પરંતુ મારા પતિ મને કહે કે આટલા ફોલોઅર્સ છે અને લોકો ચાહે છે તો આળસ ન કરે અને જે પણ કર એ પુરેપુરા ડેડિકેશન સાથે કર. મને પણ નવો આત્મવિશ્વાસ મળે છે અને જોશ-જુનુન ટકેલું રહે છે.
બન્ને પરિવારનો પુરેપુરો સપોર્ટ
પરિવાર વિશે વાત કરતાં રૂચા જણાવે છે કે માતા પિતાને તો પહેલાથી જ ખબર હતી કે મને એક્ટિંગમાં રસ છે. ત્યારબાદ મારા લગ્ન થયા ત્યારે મારા સાસુ સસરાએ પણ મને દીકરીની જેમ જ રાખી છે. હા એક વાત છે કે સોસાયટીના ઘણા લોકો મારા સાસુ સસરાને આવીને કહે છે કે વહુને આ રીતે વીડિયો બનાવવા ન દેવાય. પરંતુ એમના એટલો સપોર્ટ છે કે મારા સુધી તો વાત પણ નથી પહોંચતી અને ત્યાંથી જ આવા લોકોને જવાબ મળી જાય છે. વીડિયો બનાવવા બાબતે કે કપડાં બાબતે મને ક્યારેય મારા માતા-પિતા કે સાસુ સસરા તરફથી એક ટકાનો પણ વિરોધનો સામનો નથી કરવો પડ્યો. ઉલ્ટાનું એ લોકો મને વીડિયો બનાવવા બાબતે સલાહ પણ આપે છે.
વીડિયો બનાવતી વખતે શું શું ધ્યાન રાખો છો?
5 લાખ ફોલોઅર્સ ધરાવતી રૂચાને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે વીડિયો બનાવતી વખતે શું શું ધ્યાન રાખો છો ત્યારે જવાબ આપતા કહ્યું કે- એમાં એક નહીં પણ ઘણા બધાં ફેક્ટર કામ કરતા હોય છે. વીડિયોના સિલેક્શનથી લઈને એમના અપલોડ કરવા સુધી ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે. પહેલા તો ટ્રેન્ડમાં શું ચાલે છે એ ચેક કરવું પડે. મારે રોજ 30 મિનિટ જેવો સમય લાગે કે હું ચેક કરું આ કે આ વસ્તુ હાલમાં ટ્રેન્ડમાં ચાલી રહી છે. ત્યારબાદ તેના પર કેવું કન્ટેન્ટ ક્રિએટ કરશું તો લોકોને ગમશે એના વિશે વિચારવું પડે અને કંઈક નવું કરવું પડે. ત્યારબાદ એ ગીત કે વીડિયોમાં કેવા કપડાં પહેરીશ તો સારું લાગશે અને સુસંગત લાગશે એ વાત પણ વિચારવી પડે.
રૂચા આગળ વાત કરે છે કે મારો મેકઅપ, મારા વાળ, મારી નેલપોલિશ, મારી સ્ટાઈલ અને મારી એક્ટિંગ… જેની અનેક બાબતોનું પણ ધ્યાન રાખવું પડે. ત્યારબાદ વીડિયો એડિટીંગ પણ એટલું જ મહત્વનું પાસું છે. પછી વીડિયો અપલોડ કરતી વખતે પણ એ ધ્યાન રાખવું પડે કે ક્યા સમયે કેવો વીડિયો વધારે ચાલે. ક્યા ઉમરના લોકો કેવા સમયે વીડિયો જોઈ રહ્યાં છે એ મુદ્દો પણ એટલો જ અસર કરે છે. આ રીતે અનેક બાબતોનું ધ્યાન રાખીને પછી એક વીડિયો બનાવવાનું કામ પાર પડતું હોય છે અને જેટલી મહેનત કરી હોય એ પ્રમાણે વ્યુઅર પણ મળતા હોય છે.
ટ્રોલરો અને લોકોની નિષ્ફળ કોશિશ
રૂચા જણાવે છે કે જ્યારે તમે આગળ વધતા હોય ત્યારે તમને પાડવા માટે લોકો કોશિશ કરતા રહે છે. એટલે મારા કિસ્સામાં પણ એવું થયું છે. ગણા ટ્રોલરોએ મને ટ્રોલ કરી છે. હાલમાં પણ અનેક લોકો મારા વીડિયોની અને મારી મજાક કરતાં રહે છે. પરંતુ આવા લોકોથી મને કંઈ જ ફરક નથી પડતો. મારી પાસે એવો સમય પણ નથી કે હું આવા ટ્રોલરોને શોધીને એમને કઈ કહું.
View this post on Instagram
હા જો કોઈ અપશબ્દો કહે અથવા તો સ્વમાન પર આંગળી ચીંધે તો જરૂરથી વળતો પ્રહાર કરું છું. એ જ રીતે લોકોએ પણ મારા માતા-પિતા અને મારા સાસુ-સસરાને ફરિયાદ કરીને પ્રયત્ન કરી લીધો કે હું વીડિયો બનાવવાનું બંધ કરી દઉં. પરંતુ એવું કશું જ ન થયું અને એંમના કાવતરાંઓ નિષ્ફળ રહ્યાં. લોકોને પ્રેમ અને પરિવારનો સથવારો મને આજીવન આગળ વધતા નહીં રોકી શકે એની મને ખાતરી છે.
ફેમસ થવા આવેલા લોકો માટે સોનેરી સલાહ
આજે ઘણા યુવાન અને યુવતીઓ સોશિયલ મીડિયા પર બેફામ રીતે ખર્ચ કરીને ફોલોઅર્સ વધારી રહ્યાં છે. લોકો ઈન્ટરનેટ પર આવે છે અને બધાને એવું જ લાગે છે કે હું તરત ફોલોઅર્સ વધારી લઉ અને પ્રખ્યાત બની જાઉ. પરંતુ ખરેખર એવું કંઈ થતું નથી હોતું. આવા લોકો માટે રૂચા સલાહ આપે છે કે સૌથી પહેલા તો તમે એ ભૂલી જાઓ કે તમે પ્રખ્યાત થવા માટે અહીં આવ્યા છો. તમે તમારું ટેલેન્ટ અને કળાને પુરી રીતે પ્રદર્શિત કરો. લોકોને કઈક નવું નવું આપો. ક્વોલિટી આપો અને વીડિયો બનાવવામાં જીવ રેડી દો એટલી મહેનત કરો. જો તમે મહેનત સાચા દિલથી કરશો તો લોકો તમારી સાથે 110 ટકા જોડાશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. કોઈ ખોટા વિવાદમાં ન આવો અને તમે તમારા ટેલેન્ટ અને આવડત પર ધ્યાન આપીને વીડિયો બનાવવામાં પુરુ ફોકસ કરો તો જરૂરથી પ્રખ્યાત પણ થશો અને લાખો લોકો ફોલો પણ કરશે.