Rajkot News: તમારા બધાના દિલ પર રાજ કરી ચૂક્યું છે એવી એક ગીત એટલે કે રણછોડ રંગીલા. આ ગીતના શબ્દો અને ગાયકોના સૂરના કારણે આજે ગુજરાતના ઘરે ઘરે આ ગીત વાગી રહ્યું છે. પરંતુ આ ગીત પર જ્યારે એક નાનકડી 12 વર્ષની દીકરીએ પોતાના ગૃપ સાથે ડાન્સ કર્યો ત્યારે એનાથી પણ વધારે મોજ આવી ગઈ. સોનામા સુંગધ ભળે એવો ઘાટ થયો. આ 12 વર્ષની દીકરીનો ડાન્સ દરેક ગુજરાતીઓના સ્ટેટસમાં અને પોસ્ટમાં જોવા મળ્યો છે. લગભગ 80 લાખ લોકો આ ડાન્સને નિહાળી ચૂક્યા છે અને વખાણી-વધાવી ચૂક્યા છે. આ 12 વર્ષની દીકરીનું નામ એટલે કે હિર નિંદ્રોડા. રાજકોટની હિર ખરેખર હિરાની જેમ 80 લાખ લોકોના દિલમાં ચમકારો કરી ગઈ છે.
હિર નિંદ્રોડાને હવે પરિચયની જરૂર નથી
હિર નિંદ્રોડા હાલમાં રાજકોટ ખાતે રહીને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી રહી છે. છેલ્લા 5 વર્ષથી તે ડાન્સની સતત પ્રેક્ટિસ કરી રહી છે અને પરફોર્મન્સ આપી રહી છે. રાજકોટની અનેક સ્પર્ધામાં સ્ટેજ ધુણાવનાર હિરને આમ તો ડોક્ટર બનવું છે, પરંતુ એમની ડાન્સ પ્રત્યેની લગન જોઈને લાગે છે કે ટૂંક સમયમાં આ બાળકી ગુજરાતનું ગૌરવ બનીને ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં પણ પરફોર્મ કરે એવી શક્યતા છે.
કારણ કે કોરોનામાં બધા માણસોએ નોકરી ધંધા મૂકી દીધા હતા. ખાવાના ફાંફાં હતા છતાં લોકો ઘરની બહાર નીકળતા ડરતા હતા. ત્યારે આ હિર જપીને નહોતી બેઠી. એમણે પોતાની પ્રેક્ટિસ શરૂ જ રાખી હતી અને આજે જ્યારે 80 લાખ લોકોએ આ ગીત પરના ડાન્સને વધાવ્યો ત્યારે લાગે કે મહેનત લેખે લાગી છે.
લગાતાર 15 દિવસની મહેનત
જે ગીતનો ડાન્સ લોકોના દિલમાં છવાયો છે એ પરફોર્મન્સ વિશે વાત કરીએ તો આ ડાન્સને નવરાત્રિ દરમિયાન શૂટ કરવામાં આવ્યો હતો. હિર જે શાળામાં ભણે છે ત્યાંથી જ આ ડાન્સની તૈયારી કરવામાં આવી હતી. એમની સાથે બીજી 16 બાળાઓ પણ હતી. લગભગ 15 દિવસની લગાતાર મહેનત બાદ આ ડાન્સ શીખી શકાયો હતો.
કોરિયાગ્રાફ તરીકે હેતલ મકવાણા અને વિનસ ઓઝાએ ખુબ સરસ ભાગ ભજવ્યો હતો. નવરાત્રિમાં અલગ અલગ 4 સ્ટેજ પર છોકરીઓ પરફોર્મન્સ આપે અને હજારો લાખો લોકો આ કાર્યક્રમ નિહાળતા હોય છે. એમાં હિર અને એમના ગૃપે સરસ પરફોર્મન્સ આપ્યું અને એટલી જ સરસ રીતે શૂટ પણ કરવામાં આવ્યું.
આ લિંક પર ક્લિક કરીને જુઓ હિરનું ડાન્સ પરફોર્મન્સ
https://www.instagram.com/reel/CzS8zO8MDtS/?igshid=NWQ5OTZhYTk5YQ%3D%3D
આજે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 80 લાખ લોકો જોઈ ચૂક્યા છે અને હજુ પણ વાયરલ થવાનો સિલસિલો ઉભો નથી રહ્યો. હાલમાં હિરના 60 હજાર ફોલોઅર્સ છે. આટલી નાની ઉંમરે હિરનું ડાન્સ પરનું પ્રભૂત્વ એ પ્રેક્ટિસ સિવાય શક્ય નથી.
આદિત્ય ડાન્સ એકેડમીનો મોટો ફાળો
આમ તો હિરને મોટું થઈને ડોક્ટર બનવું છે. પરંતુ ડાન્સ એ અમનો સૌથી ગમતો અને પહેલા શોખ છે. ડાન્સની સાથે સાથે ભણવામાં પણ હિર હંમેશા અવ્વલ જ રહી છે. હિરનું કહેવું છે કે મારા ડાન્સ કરિયરમાં આદિત્ય ડાન્સ એકેડમી અને મિત્તલ હરસોડાનો ખુબ મોટો ફાળો છે.
મને ડાન્સમાં આટલો બધો રસ ઉત્પન્ન કરનાર અને આગળ વધારનાર મિત્તલ હરસોડા જ છે એવું કહી શકાય. આ સિવાય હિર કાવ્ય પઠન પણ ખુબ સરસ કરે છે. માત્ર 3 દિવસમાં આખી હનુમાન ચાલીશા શીખી અને પ્રોફેશનલ કલાકારની જેમ શુટ પણ કરી. આ વીડિયો જોઈને પણ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.