સંઘર્ષમાંથી ઉગરેલા સેલેબ્રિટી
લોક પત્રિકા સ્પેશિયલ સ્ટોરી
Rajkot News: જેમના અવાજમાં એક પડઘો છે, એક લહેલો છે, એક શૈલી છે અને એક સાહિત્ય છે… ઉંમર ભલે નાની છે પણ એમનું જ્ઞાન દિગ્ગજોની શ્રેણીનું છે. એમનો વિચાર અને વિઝન આજની પેઢીથી એકદમ અનોખા છે. ચાર દિવાલની વચ્ચેથી એવું દમદાર બોલે છે કે હજારો લોકો સાંભળવા મજબૂર થઈ જાય છે. જે એક વ્યક્તિમાં આવી અનેક ખુબીઓ છે એ બીજું કોઈ નહીં પણ રાજકોટના RJ જય સાકરિયા. જો કે રેડિયો સાંભળતી પેઢી જ ધીરે-ધીરે લુપ્ત થઈ રહી છે. ત્યારે ન ફક્ત રેડિયો પરંતુ સોશિયલ મિડિયા દ્વારા પણ લોકોને મનોરંજન પુરુ પાડતાં અને દરેક મુદ્દે જેમનું ઝીણવટભર્યું જ્ઞાન છે એવા રાજકોટના RJ જયને આજે આખું ગુજરાત ઓળખી રહ્યું છે. તો આવો જાણીએ જય સાકરિયાનો સંઘર્ષ અને એમની સફળતાની કહાની…
‘ gj935 ડ્રાઈવ ‘ નામનો શો
જય સાકરિયા વિશે પ્રાથમિક વાતો કરીએ તો અભ્યાસમાં 11-12 સાયન્સ પછી ઈલેક્ટ્રિક એન્જિનયરિંગ અને જર્નાલિઝમમાં માસ્ટર કર્યું છે. ઈન્સ્ટ્રાગ્રામ પર 70,000, ફેસબુક પર 3100 અને યુ-ટ્યુબ પર 5000 જેટલા સબસ્ક્રાઈબર સાથે જય સાકરિયા લોકોને મનોરંજન પુરુ પાડી રહ્યા છે. તેમનો Red FM પર સાંજે 5 થી 9 ના સમયમાં ‘ gj935 ડ્રાઈવ ‘ નામનો શો પણ લોકો પુરા દિલથી સાંભળી અને માણી રહ્યા છે. આ શોની વિગતે વાત કરીએ તો તેઓ હાસ્ય, સીટી સેન્ટ્રીક વાતો, ટ્રાફિક વગેરે અંગેની વાતો કરે છે. આ ઉપરાંત દિલુભાનો ડાયરો નામનો શો માટે તો લોકો પોતાનું બધું છોડીને પણ સાંભળે છે. આ ડાયરામાં તેઓ નાના-મોટા સમાચાર ડાયરાની ભાષામાં આકર્ષક રીતે લોકો સુધી પહોંચાડે છે.
લોકોને હસાવીને હળવા કરી નાખે
રાજકોટ શહેરનાં નોકરી પરથી થાકીને આવેલા, ખરાબ મુડમાં રહેલાં લોકોને હસાવાનું ભલું કામ RJ જય કરી રહ્યાં છે. આજના ઘણા સ્પીકર એવા છે કે જેઓ એકની એક વાત અલગ અલગ શોમાં કરે છે. પરંતુ જય સાકરિયાની એવી ખાસિયત એ છે કે તેઓ શો કે ઈવેન્ટમાં એન્કરીંગ કરે કે સ્પીચ આપે ત્યારે કોઈ પણ વાત રિપીટ થતી નથી. તે હંમેશા પોતાના ચાહકોને નવું જ પીરસે છે. તેમને ગુજરાતી ડાયરા ખુબ જ ગમે છે અને તેઓ ગાવાનો શોખ પણ ધરાવે છે.
આ રીતે કળા પ્રદર્શનની શરૂઆત થઈ
પોતાની કળાથી દુનિયાને મંત્ર મુગ્ધ કરી દેનાર જય સાકરિયાની શરૂઆત કઈક એ રીતે થઈ કે બન્યું એવું કે 2008માં 8માં ધોરણમાં ધોલરા સર્વોદય શાળામાં અભ્યાસ કરતા હતા. એક દિવસ રાત્રે હોસ્ટેલમાં લાઈટ ગઈ અને બધે અંધારું છવાઈ ગયું. તો બધા વિદ્યાર્થી ભેગા થયા અને જુદી જુદી પ્રવૃતિ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે તેમના મિત્રએ કહ્યું કે જા જય તું પણ કંઈક રજુ કર. જય સાકરિયાએ પહેલા તો આનાકાની કરી પરંતુ સાહેબે દબાણ કરીને કહ્યું કે ભાઈ તને અહીં કોઈ જોતું નથી માટે તું કંઈક રજુઆત કરી નાખ.. બસ ત્યારથી જયની નવા યુગની શરુઆત થઈ અને આજે જય અને જયના અવાજને લોકો દિલથી ચાહી રહ્યાં છે.
એક ઘટનાથી સ્ટેજનો ડર નીકળી ગયો
જય પોતાની વાગ આગળ વધારતા કહે છે કે ધોરણ 9માં 10માં પણ રાત્રે અલગ અલગ મિમીક્રી તથા દરરોજની રોજંદી બાબત ડાયરાની શૈલીમાં વિદ્યાર્થી સામે રજુ કરતો. સાંભળનારા બધા પ્રભાવિત થતા. પરંતુ એક દિવસે પ્રાર્થના સભામાં શનિ-રવિવારે તેમને 300 વિદ્યાર્થીઓ સમક્ષ ડાયરો કરવા માટે કહેવામાં આવ્યું. ખરેખર જ્યારે મે રજુઆત કરી ત્યારે મારા પગ ધ્રુજવા લાગ્યા અને ડર કોને કહેવાય એની ખબર પડી. ધોળા દિવસે તારા દેખાય ગયા એવું કહીશ તો પણ ખોટું નહીં પડે.
પરંતુ પછી સ્ટેજ પર જવા માટેનો ડર નીકળી ગયો અને અલગ અલગ જગ્યાએ પરફોમન્સ આપવાની શરુઆત કરી. ડાયરાને હાસ્યના સ્વરુપમાં રજુ કરતો. પછીથી ઈશરદાન ગઢવી જેવા કલાકારોની સીડીઓ સાંભળવાની શરુઆત કરી અને કલેક્શન કરવાનું પણ શરુ કર્યું. આ રીતે હું દરેક જગ્યાએથી શીખતો રહ્યો અને મારા નોલેજમાં વધારો કરતો રહ્યો. આ બધું નોલેજ જ મને બોલવામાં અને રજુઆત કરવામાં મદદ કરી રહ્યું છે. આજે ભલે સામે 1 લાખનું ઓડિયન્સ હોય કે એક કરોડનું હોય… પણ બેજિજક મારી રજુઆત કરી શકું છું.
જયની નાની ઉંમરે અનેક સિદ્ધિઓ
જય સાકરિયાની અનેક સિદ્ધિઓ પણ છે. રાજકોટમાં 2001માં રેડ FM દ્વારા એક સ્પર્ધામાં ટોપ 10માં નંબર આવ્યો હતો. પરંતુ અમુક સંજોગો વશ ફાઈનલમાં ગાંધીનગર જઈ શક્યા નહોતા. ત્યારબાદ કોલેજમાં Red FMની ઈવેન્ટ કોલેજ કે ટશનબાઝમાં તે વારંવાર સિલેક્ટ થયા હતા. ત્યારબાદ રાજકોટ કોલેજ કે ટશબાઝ ઈવેન્ટમાં ટોપ 5માં પસંદગી પામ્યા . 2014માં તેઓએ યુથ ફેસ્ટિવલમાં મિમિક્રીમાં ભાગ લેવાનું શરુ કર્યું. ત્યારે તેમનો રોજકોટ ઝોનમાં પ્રથમ નંબર આવ્યો. તેમનો સાહિત્યમાં પહેલાથી જ ખુબ રસ.. ભણતી વખતે ક્લાસનું વાંચન ઓછુ અને સાહિત્ય વધારે વાંચતા. 2017માં તેમણે દોઢ વર્ષ રેડ FMમાં ઈન્ટનશિપ પણ કરી. ત્યારબાદMy FMમાં 6 મહિના ઈન્ટનશિપ કરી અને 20-12-2018 ના રોજ તેમને RJ બનવાનો મોકો મળયો. ત્યારે પ્રિતિબહેન સ્ટેશન હેડ હતાં તેમણે તેમની રેડિયોમાં એન્કરીંગ કરવાનો મોકો આપ્યો. જેના ખુબ જ સારા રિવ્યુ મળ્યાં અને તેમને પરમનેન્ટ કામ પણ મળ્યું. આગળ જતાં સ્ટેજ પણ મળ્યું અને હજારો લાખો લોકો સામે ખુલવાનો મોકો મળ્યો.
… પછી તો જય સાકરિયા છવાઈ ગયાં!
રેડિયોની શરૂઆતની જર્ની વિશે જય સાકરિયા વાત કરે છે કે રેડિયો પરનો પહેલો શો બઘડાટી કિંગ હતો અને આજે પણ લોકો તેમને આ નામથી ઓળખે છે. રેડિયો પર પહેલી જ લાઈન એ હતી કે “પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે, નથી કોઈથી અસિતત્વ છાનું, બસ તમારા પ્રતાપે બધા લોકો ઓળખે છે… આજે ખરેખર જય સાકરિયાને દરેક લોકો ઓળખે છે. લોકોને માત્ર મનોરંજન આપવાની જગ્યાએ કંઈક જ્ઞાનસભર પીરસવાની તેમની કળા ખરેખર કાબિલ-એ-દાદ છે. તેમણે My FMમાં 1 વર્ષ જેટલો સમય નોકરી કરી હતી.
કોરોનામાં મોટી ભુમિકા ભજવી
ત્યારબાદ તેઓ હોસ્ટિંગ કરતાં. 2019માં કચ્છનાં રણોત્સવમાં અમિતભાઈ માવાણીએ તેમને હોસ્ટિંગ કરવાનો મોકો આપ્યો અને ત્યાંથી લોકોનો અદ્રભુત પ્રતિભાવ મળ્યો. ત્યારબાદ કોરોનાકાળ આવી ગયો પછી તેઓ ઘરેથી live કરતાં હતાં. એ લાઈવમાં ગુજરાતના બધા જ સેલિબ્રિટીઓ સાથે મજ્જાની વાત કરી. આ રીતે કોરોના કાળમાં પણ લોકોને મનોરંજન પુરુ પાડતાં રહ્યાં હતાં. કોરોના સમયમાં તેમણે એક ‘શ્વાસની કિંમત્ત’ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો એટલો વાયરલ થયો કે 1.5 કરોડ જેટલાં વ્યુઝ મળ્યા. પછી ઈન્ટરનેટની દુનિયામાં જય સાકરિયાના નામનો દબદબો છે.
ઈન્ટરનેટની દુનિયામાં ડંકો વગાડ્યો
ફોલોઅર્સ વિશે પણ એક વાત ખાસ નોંધવા જેવી એ છે કે જય સાકરિયાને 2021માં ઈન્સ્ટામાં 18,000 જેટલાં ફોલોવર્સ હતાં અને અત્યારે 70,000 જેટલાં છે. તેમણે માત્ર 3 મહિનામાં 30000 જેટલા ફોલોવર્સ વધારવાનો પણ રેકોર્ડ સર્જયો છે. સારા શબ્દોમાં મનોરંજન પુરુ પાડતા કલાકારો નહિંવત પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે તેઓ ટ્રેન્ડિંગ ટોપિકને ધ્યાનમાં રાખી વિવિધ વિડિયો બનાવે છે અને એ પણ સારા શબ્દોમાં. તેમના વિડીયો નાના બાળકથી લઈને વુદ્ધ બધાં જ જોઈ શકે તેવા હોય છે જેમાં અમુક હાસ્યની વાત હોય, ક્યારેક માણસાઈની વાત હોય તો ક્યારેક પ્રેમની અને દિલની વાતો હોય છે.
છાતી ચીરી નાખે એવો સંઘર્ષ
જય સાકરિયા પોતાના સંઘર્ષ વિશે વાત કરતાં જણાવે છે કે મારામાં અખૂટ કળા હતી અને રજુઆત કરવામાં પણ હું માસ્ટર હતો. પરંતુ કોઈ સ્ટેજ આપવા માટે તૈયાર નહોતું. જો કોઈ મોકો આપતા હતા તો એ પણ મફતના ભાવે મને લઈ જતા હતા. જ્યારે હું રેડિયોમાં નોકરીએ લાગ્યો એ પહેલાનો મારો સમય ખુબ જ કપરો હતો. મે હોટેલમાં તમામ પ્રકારના કામ કરી ચૂક્યો છું. કાચ સાફ કરવાથી લઈને દરેક નાના કામ કરવાના દિવસો પણ મે જોંયા છે. જ્યાં પણ મને લાગતું કે અહીંથી બે પૈસા રળી શકીશ એવી દરેક જગ્યાએ મે પ્રયત્ન કર્યો હતો. લખવાનું હોય કે બોલવાનુ… જો કઈ કામ મળે તો હું સાઈકલ લઈને કિલોમીટર સુધી દોડી જતો. આ સાથે જ જય સાકરિયા કહે છે કે મે મારું ભણવાનું અને ઘણા વર્ષો નોકરી પણ સાઈકલ પર જ કરી છે. બાઈકના પૈસા નહોતા અને પિતાની હાલત પણ એવી નહોતી. પરંતુ આજે મહેનત કરીને ઘણું કમાઈએ છીએ અને બધું સારું છે.
ખેતીપ્રેમી અને અશ્વપ્રેમી
આ બધાની સાથે સાથે જય સાકરિયાને ખેતી કરવી અને પ્રાણીઓ પણ ખૂબ ગમે છે. શ્વાન અને અશ્વપ્રેમીમાં જયનું નામ અવ્વલ નંબરે લઈ શકાય. તેમની પાસે એક ઘોડી અને એક ઘોડીનું બચ્ચું છે. તેની સેવા પોતે જાતે જ કરે છે. તેમને બાળપણથી જ અશ્વ જોવા ગમતાં. આર્થિક પરિસ્થતિ સારી ન હોવા છતાં પણ તોમના પિતાએ તેમને હોર્સ રાઈડિંગના ક્લાસ કરાવ્યા હતાં. તેઓને ઘોડાનો એટલો ઉત્સાહ કે તે કોઈપણ ઘોડા પર સવારી માટે બેસી જતા હતાં તેઓ હોર્સ રાઈડિંગમાં પણ એન્કરિંગ કરે છે. અશ્વને લગતાં છંદ અને દુહા પણ લલકારે છે. તેઓ જાતે જ ઘોડાને ટ્રેઈન કરે છે. દરરોજ ઘોડા સાથે સમય પસાર કરે જ છે.
ભૂપત ભાયાણી APPને અલવિદા કહીને કરશે કેસરિયા! લોકસભા પહેલા ગુજરાતમાં મોટી હલચલનો તખ્તો ઘડાયો!!
RJ બનવા માંગતા યુવાનોને સોનેરી સલાહ
જય સાકરિયાના વિડિયો પર પણ લોકોની ખુબ જ હકારાત્મક અને લાગણીશીલ કોમેન્ટસ આવે છે. જેનાથી તેઓ નવા વિડીયો બનાવવા પ્રેરિત રહે છે. આજ-કાલ યુવાન-યુવતીને RJ બનવાનો ખુબ જ ક્રેઝ છે. ત્યારે તે અંગે જય સાકરિયા જણાવ્યુ કે એક જ ભાષા પર પ્રભુત્વ ખુબ જ જરુરી છે. તમે જે શહેરના છો ત્યાંના અને તે શહેરના લોકોના બનીને રહો. સામાન્ય માણસ શું વિચારે તે વિશેના કનટેન્ટ બનાવીને લોકો સુધી રજુ કરો. અને ફેમસ થવાનું ભુલીને વાંચન અને શીખવા પર ધ્યાન આપો. સોશિયલ મિડીયા પર ક્રિએટીવ બનો. અપડેટ રહો. આજે જય સાકરિયા ખરેખર ગુજરાતના કથિત કલાકારો માટે પણ એક ઉદાહરણ છે કે જે પણ બોલો એની ખરાઈ કરીને બોલો અને સાહિત્યને શોભે એવું બોલો.