Navratri 2023: હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે આખા રાજ્યમાં રાસ અને ગરબાની રમઝટ બોલી રહી છે. પરંતુ ખરેખર આપણે જાણીએ છીએ કે ગરબા અને રાસના કેટલા પ્રકાર છે અને ખરેખર ગરબો એ શું છે. તો આપણે આજે આ વિશે માહિતી લેશું. ગરબોએ ગુજરાતના અતિ પ્રાચીન લોકપ્રિય નૃત્યનો એક પ્રકાર છે. તેની ઉત્પત્તિનું મૂળ દેવીપૂજા જ મનાય છે. ગરબો શબ્દનો મૂળ અર્થ થાય છે – કાણાંવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મૂકવામાં આવે છે. ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે. ગરબાના બે પ્રકાર છે. પ્રાચીન ગરબો અને અર્વાચીન ગરબો.
ગરબા અને રાસમાં વિગતે વાત કરીએ તો તાલ, તાલી, ચપટી, લચક, ઠેસ, લાસ્ય અને વર્તુળાકાર તાલી રાસનાં મુખ્ય અંગો ગણી શકાય. ગરબામાં એક તાલી, બે તાલી, ત્રણ તાલી અને તાલી સાથે ચપટીના અનેક પ્રકાર પ્રચલિત છે. તાલી, ચપટી અને પગની ઠેસના વિવિધ પ્રકારો તેને તાલ અને લય આપે છે એટલે વાદ્યની જરૂર રહેતી નથી. જૂની પરંપરામાં રાસ, દાંડિયા રાસ, ગોફ, મટકી, ટિપ્પણી વગેરે પ્રકાર ઊભા થયા. જુદાજુદા પ્રદેશમાં જુદીજુદી રીતે ગરબા લેવાતા થયા ને એમાં જુદા તાલ, અને પગલાં લેવાતાં થયાં.
આમ તો ગરબો એ એક લોક સંસ્કૃતિ છે. પહેલાના જમાનામાં એવું હતું કે ગામડાંમાં જ્યારે અનાજ પાકી જાય, ને આનંદના દિવસો આવે ત્યારે લોકો ભેગા થઇને દેવીદેવતાની સ્તુતિ કરીને આભાર વ્યક્ત કરતા હતા. આમાંથી એક લોકસંગીતનો પ્રકાર ઊભો થયો જે ગરબો કહેવાયો. આનું આધુનિક સ્વરૂપ એટલે ગરબા નૃત્ય. આ સાથે જ રાસડા અને રોફગૂંથન પણ ગુજરાતમાં પ્રચલિત છે એના વિશે પણ વિગતે માહિતી લઈએ.
ગોફગૂંથન વિશે વાત કરીએ તો સોળંગા રાસ ગોફગૂંથન અથવા સોળંગા રાસ એ સૌરાષ્ટ્રના કોળી, સથવારા, ભરવાડ અને કણબીઓનું જાણીતું નૃત્ય છે. આ નૃત્ય એક વિશિષ્ટ પ્રકારનો મનોહર રાસ છે. પ્રારંભમાં ગરબી લઈને પછી દાંડિયારાસ ચગે છે. રાસની સાથે બેઠક ફૂદડી ને ટપ્પા લેતાં લેતાં વેલ આકારે એક અંદર ને એક બહારના ફરતાં ફરતાં રાસે રમે છે. તેની સાથે સાથે રંગીન દોરીની મનોહર ગૂંથણી ગૂંથાતી જાય છે. ગૂંથણી પૂરી થયા પછી અવળા ચલનથી રાસની રમઝટ સાથે દોરીની ગૂંથણી ઉકેલવામાં આવે છે. દાંડિયારાસ વખતે લેવાતી ફૂદડીઓ મેર લોકોના દાંડિયારાસનું આગવું આકર્ષણ છે.
રાસડા શબ્દ આમ તો આપણે સૌએ સાંભળેલો શબ્દ છે. લોકજીવનમાં ખૂબ જાણીતા એવા રાસ અને રાસડા વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. સૌરાષ્ટ્રમાં મોટે ભાગે પુરુષો રાસ લે છે. (આ રાસને હલ્લીસક પણ કહે છે.) જ્યારે સ્ત્રીઓ રાસડા લે છે.
ઓક્ટોબરના 11 બાકી દિવસમાંથી 10 દિવસ બેન્કો બંધ રહેશે, તહેવારોની ભરમાર, ફટાફટ લિસ્ટ ચેક કરી લો
ગુજરાત પર તોળાતો ખતરો: આજે વાવાઝોડાની સિસ્ટમ ખતરનાક રૂપ લેશે, જાણો હવામાન વિભાગની નવી આગાહી
આખા શરીર પર ઘઉંના જ્વારા ઉગાડ્યા, નવ દિવસ અન્ન જળનો ત્યાગ… જાણો જૂનાગઢના સંતની અનોખી તપસ્યા વિશે
રાસડા એ તાલરાસકનો પ્રકાર છે. રાસમાં નૃત્યનું તત્ત્વ આગળ પડતું હોય છે. જ્યારે રાસડામાં સંગીતનું તત્ત્વ મોખરે રહે છે. સ્ત્રીઓમાં આજે એક તાલીના અને ત્રણ તાલીના રાસડા વધુ જાણીતા છે. રાસડા એ ગરબાના જેવો જ પ્રકાર છે. રાસ અને ગરબી એ પુરુષપ્રધાન છે, જ્યારે રાસડા નારીપ્રધાન છે.