કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીએ કોંગ્રેસને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, એકવાર એક નેતાએ તેમને કોંગ્રેસમાં જોડાવાની સલાહ આપી હતી, જેનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે તે પાર્ટીના સભ્ય બનવાને બદલે કૂવામાં કૂદી પડશે. ગડકરીએ એવો પણ દાવો કર્યો હતો કે ભાજપ સરકારે છેલ્લા 9 વર્ષમાં દેશમાં કોંગ્રેસના 60 વર્ષના શાસનની સરખામણીમાં બમણું કામ કર્યું છે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે થોડા દિવસો પહેલા જ્યારે તેઓ ઉત્તર પ્રદેશમાં હતા ત્યારે તેમણે લોકોને કહ્યું હતું કે 2024ના અંત સુધીમાં યુપીના રસ્તા અમેરિકા જેવા થઈ જશે.
ગડકરીએ તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોને યાદ કર્યા
શુક્રવારે ગડકરીએ મહારાષ્ટ્રના ભંડારામાં જનસભાને સંબોધી હતી. અહીં તેમણે નરેન્દ્ર મોદી સરકારના 9 વર્ષ પૂરા થવા પર કામ અને યોજનાઓની ગણતરી કરી. ગડકરીએ ભાજપ માટે કામ કરવાના તેમના શરૂઆતના દિવસોને યાદ કર્યા અને પાર્ટીની સફર વિશે વાત કરી. તેમણે કોંગ્રેસના દિવંગત નેતા શ્રીકાંત જિચકર દ્વારા કરાયેલી ઓફરનો પણ ઉલ્લેખ કર્યો હતો.
‘હું ભાજપની વિચારધારામાં વિશ્વાસ રાખું છું’
ગડકરીએ કહ્યું, એકવાર જીચકરે મને કહ્યું- ‘તમે પાર્ટીના ખૂબ સારા કાર્યકર અને નેતા છો. જો તમે કોંગ્રેસમાં જોડાશો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે. આ ઓફર પર ગડકરીએ કહ્યું કે, હું કોંગ્રેસમાં જોડાવાને બદલે કૂવામાં કૂદીશ. મને ભાજપ અને તેની વિચારધારામાં પૂરો વિશ્વાસ છે. હું તેના માટે કામ કરતો રહીશ. ગડકરીએ આરએસએસની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)માં તેમના કામને યાદ કર્યું. તેમણે યુવા દિવસોમાં મૂલ્યો કેળવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ પ્રશંસા કરી હતી.
‘ભવિષ્ય માટે ભૂતકાળમાંથી શીખો’
મંત્રીએ કોંગ્રેસ વિશે વાત કરતા કહ્યું કે, પાર્ટીની રચના થઈ ત્યારથી તે ઘણી વખત વિભાજિત થઈ છે. આપણે આપણા દેશની લોકશાહીના ઈતિહાસને ભૂલવો ન જોઈએ. આપણે ભવિષ્ય માટે ભૂતકાળમાંથી શીખવું જોઈએ. તેના 60 વર્ષના શાસન દરમિયાન કોંગ્રેસે ‘ગરીબી હટાઓ’નું સૂત્ર આપ્યું, પરંતુ ખાનગી નફા માટે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ ખોલી.
આ પણ વાંચો
ગુજરાત સરકાર થઈ મહેરબાન, વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારો માટે કરવામાં આવી મોટી જાહેરાત, રોકડા પણ આપશે
‘દેશનું ભવિષ્ય ઉજ્જવળ છે’
ગડકરીએ ભારતને આર્થિક મહાસત્તા બનાવવાના તેમના વિઝન માટે પીએમ મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે દેશનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. કોંગ્રેસ તેના 60 વર્ષના શાસનમાં જે કામ કરી શકી નથી તેના કરતા ભાજપ સરકારે છેલ્લા 9 વર્ષમાં બમણું કામ કર્યું છે.