ગુજરાતમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ ઘમરોળી નાખ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં એક રાતમાં એવી આફત વરસી કે ચારે બાજુ પાણી પાણી થઈ ગયું છે.ગુજરાતના 163 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢના માળિયા હાટીનામાં તેમજ વાપીમાં 8 ઈંચ, જામનગરના જામજોધપુરમાં 7.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કુતિયાણામાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતના 71 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
વેરાવળ અને સુત્રાપાડામાં ફાટ્યું આભ
વેરાવળ અને સોમનાથમાં રાત બાદ પણ વરસાદ ચાલું રહ્યો જેને કારણે બધી જગ્યાએ પાણી પાણી થઈ ગયું હતું. રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન કે પછી હાઈવે હોય કે રહેણાંક સોસાયટી તમામ જગ્યાએ માત્ર પાણીનું જ સામ્રાજ્ય ફેલાયું છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડામાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. વેરાવળ શહેરના બિહારીનગર, અન્નપૂર્ણા સોસાયટી, શિવજી નગર અને હરસિદ્ધિ સોસાયટી સહિતના વિસ્તારોમાં દુકાનો, ઘરોમાં પાણી ઘુસી ગયા છે તો ત્રિવેણી સંગમ ઘાટ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
વેરાવળ-કોડીનાર હાઈવે ધોવાયો
મુશળધાર વરસેલા વરસાદને કારણે હાઈવે પણ પાણી-પાણી થઈ ગયા છે. કેટલીક જગ્યાએ તો નદીના ધસમસતા પ્રવાહમાં હાઈવે જ ધોવાઈ ગયા છે. જેમાં વેરાવળ-કોડીનાર હાઈવે પણ ધોવાઈ ગયો છે. સોનારીયા પાસે હાઈવે પરનો પુલ પાણીની તાકાત સામે ટકી ન શક્યો. પૂરના પાણી રોડ પર વહેવા લાગતા વેરાવળ તરફનો સંપર્ક જ તૂટી ગયો છે. ધોધમાર વરસાદ વરસતા સોમનાથથી 3 કિલોમીટર દૂર નેશનલ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. જેને લઈ સોમનાથ નેશનલ હાઇવે હજુ પણ બંધ છે. તો બીજી તરફ ગામોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRFની ટીમો પણ કામે લાગી ગઈ છે.
આ બધાની વચ્ચે પ્રથમવાર એવું બન્યું કે ધોધમાર વરસાદને કારણે ભાલકા મંદિર પરિસર સુધી પાણી પહોંચી ગયું અને પ્રથમવાર મંદિર પરિસર બેટમાં ફેરવાઈ ગયું. અવિરત વરસેલા વરસાદને કારણે નદીઓ પણ ગાંડી તૂર બની છે. હિરણ હોય કે સરસ્વતી નદી ગીર સોમનાથ જિલ્લાની તમામ નાની મોટી નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદને કારણે ખેતરો તળાવ બની ગયા છે. જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.