આવતીકાલથી એટલે કે 30 માર્ચથી માધવપુર ગામે એક અલગ જ નજારો જોવા મળશે, કારણ કે રાષ્ટ્રીયકક્ષાના ભવ્ય મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે, મેળાના ઉદ્ઘાટનમાં ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યના મંત્રીઓ સહિત 8 રાજ્યના મુખ્યમંત્રીઓ, અનેક દિગ્ગજ કલાકાલો અને મોટા મોટા મહાનુભાવો આવનાર છે. હાલમાં આ કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અન્ય જિલ્લાના લોકો પણ મેળાનો આનંદ માણી શકે તે માટે પોરબંદરથી રોજ 100 બસો દોડાવામાં આવશે, આ ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પણ એસ.ટી.બસો દોડાવવામાં આવશે. મેળાને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ સુધી માધવપુર ગામે રાષ્ટ્રીયકક્ષાના મેળાનું આયોજન રાખવામાં આવેલ છે જે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા જ કરવામાં આવે છે. આ મેળો ભગવાન માધવરાયજી અને રૂકમણીજીના લગ્ન દરમિયાન વર્ષોથી યોજવામાં આવે છે. હવે આ મેળો રાષ્ટ્રીયકક્ષાની હોવાથી ઉત્તર-પૂર્વના સિકિમ, મેઘાલય, આસામ સહિતના 8 રાજ્યોના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો આવવાના છે. આ સાથે જ ગુજરાતના જાણીતા કલાકાર સાંઈરામ દવે, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી, આદિત્ય ગઢવી સહિતના કલાકારો પરફોર્મ કરશે. આ ઉપરાંત લોકો માટે આકરી ગરમીમાં એર કંડિશનર ડોમ તૈયાર કરવામાં આવ્યા છે.
જો વ્યવસ્થાની વાત કરવામાં આવે તો એક સાથે માધવપુરમાં 12 હજાર લોકો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી શકે તેટલી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ એક સાથે પાંચ હેલિકોપ્ટર ઉતરાણ કરી શકે તેવા પાંચ હેલિપેડ બનાવવામાં આવ્યા છે. હાલના આયોજન પ્રમાણે મેળામાં રાષ્ટ્રીયકક્ષાના મહાનુભાવો આવનાર હોવાથી વહીવટી તંત્ર એલર્ટ છે. ડોમ બેઠક વ્યવસ્થાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ મેળામાં આવતા લોકો માટે આરોગ્ય અને પીવાના પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથો સાથ 100 જેટલા વિવિધ હસ્તકલાના સ્ટોલ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યા છે.
કયા સૌરાષ્ટ્રનું દરિયાકાંઠાનું માધવપુર અને ક્યા માધવપુરથી 3000 કિમી જેટલા દૂર ઉત્તર પૂર્વના રાજ્યો છતાં બંને પ્રદેશ વચ્ચે એવો ઊંડો નાતો કે જે યુગોથી લોકોના હૃદયમાં છે. આ નાતો વર્ષોથી ભારત વર્ષની બે સંસ્કૃતિની મિશાલ બનીને પ્રજલવિત રહ્યો છે અને તેના મૂળમાં છે ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીના વિવાહ. પૌરાણિક કથાઓ સાહિત્યક ઉલ્લેખો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન પોરબંદર નજીક માધવપુરમાં થયા હતા. આ વિવાહની યાદમાં વર્ષોથી- યુગોથી માધવપુર ઘેડમાં પાંચ દિવસનો મેળો ભરાય છે. જે હવે છેલ્લા ત્રણ વખતથી એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક બન્યો છે. મેળામાં ઉત્તર પૂર્વના લોકો, અગ્રણીઓ અને કલાકારો માધવપુરમાં આવીને કલાનું કૌશલ્ય અને વિચારોનું આદાન પ્રદાન કરે છે અને સૌરાષ્ટ્રના ઘેડ પ્રદેશની સંસ્કૃતિને નિહાળે છે.
માધવપુર નો મેળો રામનવમી ચૈત્ર સુદ નોમ થી શરૂ થાય છે અને ભગવાનના લગ્ન ચૈત્ર સુદ બારસના રોજ થયાં હતાં તેટલે તે દિવસે લગ્ન થાય છે. રાત્રિના લગ્ન હોવાથી માધવરાય મધુવનમાં રાતવાસો કરે છે. તેરસના દિવસે ભગવાન રૂક્ષ્મણી સાથે નગર યાત્રા કરી નીજ મંદિર પધરામણી કરે છે. ભગવાનની પરણીને આવતી જાન જોવી એ ભાવિકો માટે એક લહાવો હોય છે .મધુવન જ નહીં પણ માધવપુરની બજારો ગલીઓ અબીલ ગુલાલની છોળોથી ઉભરી આવતા જ્યાં નજર નાખો ત્યાં ગુલાબી રંગની ચાદર જેવા દ્રશ્યો જોવા મળે છે. આ સાથે મેળો પૂર્ણ થાય છે. આ રીતે માધવપુર ઘેડનો મેળો ભારતની ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિને એક તાંતણે બાંધે છે.
VIDEO: આખરે અટકળોનો અંત આવ્યો! પરિણીતી ચોપરાએ નેતા રાઘર ચઢ્ઢા સાથે લગ્ન કરવાની વાત પર હા પાડી દીધી
દરિયામાંથી મળેલું ૧૧મી સદીનું મંદિર બહુ જર્જરીત થઈ જતા 17મી સદીમાં ૧૮૪૦માં પોરબંદરના મહારાણી રૂપાળીબા એ માધવરાયજી નું નવું મંદિર બંધાવી આપ્યું હતું અને તેનો શિલાલેખ પણ અહીં જોવા મળે છે. જુના મંદિરમાંથી માધવરાયજી અને ત્રિકમરાયજીની મૂર્તિઓ નવા મંદિરમાં પધરાવવામાં આવી હતી. આ મૂર્તિઓ દુર્લભ અને દિવ્ય છે. ભગવાનના ત્રણ હાથ ઉપર અને એક હાથ નીચે છે. આવી મૂર્તિ બીજે ક્યાંય નથી એવી વૈષ્ણવ ભક્તોને શ્રદ્ધા છે.