India News: ફોન કોલ પર ધમકી આપવાના કિસ્સામાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલમાં મુકેશ અંબાણીને સતત 4 વખત ધમકી મળી હતી. ત્યારે એ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હવે ફરીથી મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પોલીસને મોટી ધમકી મળી છે. મંગળવારે મોડી રાત્રે એક અજાણ્યા યુવકે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને તેને ધમકી આપી હતી અને કહ્યું હતું કે મુંબઈમાં ટૂંક સમયમાં મોટી ઘટના બનવાની છે.
ઉલ્લેખનીય છે કે ધમકીભર્યો ફોન આવ્યા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ફોન કરનારે પોતાનું નામ શોએબ હોવાનું પણ જણાવ્યું છે. ફોન કરનારે જણાવ્યું કે, ગુજરાતમાં રહેતી સમા નામની મહિલા કાશ્મીરમાં રહેતા આસિફના સંપર્કમાં છે, જે મુંબઈમાં મોટું કૌભાંડ કરવાની યોજના બનાવી રહ્યો છે. તેથી ગુજરાત કનેક્શન પણ સામે આવી રહ્યું છે. કોલ કરનાર યુવકે સામ અને આસિફના ફોન નંબર પણ પોલીસને આપ્યા હોવાની વિગતો મળી રહી છે.
જ્યારથી આ ફોન નંબર મળ્યા ત્યારથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મુંબઈ પોલીસને ધમકીભર્યો કોલ આવ્યો હતો, જેમાં એક યુવકે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ ગેંગ સાથે સંબંધ હોવાનો દાવો કરીને ધમકી આપી હતી.
આ કેસમાં પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે. આરોપીએ પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે દાઉદ ગેંગે તેને પીએમ મોદી અને સીએમ યોગીની હત્યાનું કાવતરું ઘડવાનું કહ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર ફોન કરનારે મુંબઈની જાણીતી મેડિકલ સંસ્થા જેજે હોસ્પિટલને નિશાન બનાવવાની પણ ધમકી આપી હતી. મુંબઈ પોલીસ આરોપી યુવકના દાવાની તપાસ કરી રહી છે.