આ રામાયણ વાંચવા તમારે અરિસાની સામે જ ઉભું રહેવું પડશે, ગુજરાતના રામ ભક્તે ‘મિરર રાઇટિંગ’માં લખી અનોખી રામાયણ

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News:  એક રામ ભક્તે લખેલી રામાયણ કદાચ કોઇ સીધી નજરે વાંચી જ ના શકે. કારણ કે, પહેલી નજરે જોતા એવું લાગશે કે, આ વળી કઈ ભાષામાં રામાયણ લખી છે. એટલે કે આ રામાયણ લખનારે એવી કારીગરી બતાવી છે કે, કોઇ વ્યક્તિએ રામાયણ સીધી નજરે નહીં પરંતુ અરિસા સામે ઉભા રહીને જ વાંચવી પડે. ત્યારે શું છે આ રામ ભક્તની અનોખી કારીગરી અને એવી કઈ રીતે આ રામાયણ લખવામાં આવી છે તેના વિશે જણાવીએ.

મિરર રાઇટિંગની અદ્દભૂત કારીગીરી

અયોધ્યામાં શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને દેશમાં ચારે બાજુ ઉમંગનો માહોલ છવાયો છે. સૌ કોઇ લોકો પોતાની રીતે શ્રી રામની ભકિત દર્શાવી રહ્યું છે. ત્યારે મહેસાણાના વિસનગરમાં રામ ભક્તે ઉલ્ટા અક્ષરોમાં અનોખી ‘મિરર રાઇટિંગ’ રામાયણ લખી છે. આ વાંચવા માટે રામાયણનું પેજ અરિસા સામે રાખશો તો જ વંચાશે.

લિમ્કા બુકમાં પણ સ્થાન મળ્યું

આ અનોખી કારીગીરી કરનાર વ્યક્તિનું નામ જશવંતભાઇ પટેલ છે. 20 વર્ષ અગાઉ લખેલી ઉલ્ટા અક્ષરોની રામાયણ શ્રી રામના ચરણોમાં સમર્પિત કરવાની આ રામ ભક્તની ઈચ્છા છે. 1426 પાનાની રામાયણ લખવામાં 7 મહિના જેટલો સમય લાગ્યો હતો. જો કે, ઉલ્ટા અક્ષરો લખવાનું શીખવા માટે 3 વર્ષ લાગ્યા હતા. આ રામાયણને ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ અને લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

કઇ રીતે આવો વિચાર આવ્યો?

જશવંતભાઇ 7 મહિના સુધી દરરોજ રાત્રે 9થી 12 વાગ્યા સુધી રામાયણ લખતા. તમને કદાચ પ્રશ્ન થતો હશે કે, જશવંતભાઇ ઉલ્ટી રામાયણ લખવાનો વિચાર કઇ રીતે આવ્યો. તો એક વખત એમ્બ્યુલન્સ પર લખેલા ઉલ્ટા અક્ષરો જોયા અને બસ, ત્યાંથી આ પ્રેરણા મળી કે, તેઓ ઉલ્ટા અક્ષરે રામાયણ લખશે. સૌથી પહેલા તેઓએ ઉલ્ટા અક્ષરોમાં કક્કો લખવાનું શરૂ કર્યું. જેની ઘણા સમય સુધી પ્રેક્ટિસ બાદ ઉલ્ટા અક્ષરોમાં રામાયણ લખવામાં સફળતા મળી હતી. આ કાર્ય માટે તેઓને ઘરનો પણ પૂરતો સપોર્ટ મળ્યો હતો.

શ્રી રામના ચરણોમાં અર્પણ કરશે રામાયણ

ભવિષ્યમાં જ્યારે પણ જશવંતભાઇ અયોધ્યા જશે ત્યારે પ્રભુ શ્રી રામના ચરણોમાં આ રામાયણ સમર્પિત કરશે. તેઓને એવું જ લાગે છે કે 20 વર્ષ અગાઉ કદાચ શ્રી રામ ભગવાને આ દિવસ માટે જ મારા હાથે આ અનોખી રામાયણ લખાવડાવી હશે.

ઉલ્ટા અક્ષરોમાં રામાયણ લખ્યા બાદ હવે કાગળના રોલ પર ઉલ્ટા અક્ષરોથી મહાભારત લખવાનું પણ શરૂ કર્યું છે. એટલે કે હવે રામાયણ બાદ મહાભારતના નામે જશવંતભાઇ ફરીથી નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે.


Share this Article