સમગ્ર વિશ્વની નજર રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ પર ટકેલી છે. રશિયન સૈનિકો હવે યુક્રેનની રાજધાની કિવ સુધી પણ પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં હવે યુક્રેનને બચાવવા માટે નાગરિકો પણ સેના સાથે યુદ્ધ લડી રહ્યા છે. યુવાનોથી લઈને વૃદ્ધોએ પણ પોતાના દેશને બચાવવા માટે બંદૂકો હાથમાં લીધી છે. આવી સ્થિતિમાં યુક્રેનમાંથી દરરોજ આવી વાતો સામે આવી રહી છે જેમાં સ્થાનિક નાગરિકો પણ રશિયા સામે યુક્રેનની સેનાની સાથે ઉભા છે.
આ દરમિયાન યુક્રેનનું એક પરિણીત યુગલ ચર્ચામાં આવ્યુ છે. દુનિયાભરના લોકો આ કપલની દેશભક્તિના દાખલા આપી રહ્યા છે. કપલના લગ્નના થોડા કલાકો પછી રશિયાએ યુક્રેન પર હુમલા શરૂ કરી દીધા. જ્યારે રશિયા યુક્રેનની સેના સાથે યુક્રેનને તબાહ કરવાનો ઇરાદો ધરાવે છે, ત્યારે તેના નાગરિકો પૂરા ઉત્સાહ અને હિંમત સાથે યુદ્ધ લડી રહ્યા છે. આવો જાણીએ આ બહાદુર કપલ વિશે…
યુક્રેનના સ્વ્યાટોસ્લાવ ફુરસિન અને યારિના અરેવાના લગ્ન 22 ફેબ્રુઆરીએ થયા હતા. દરેક પરિણીત યુગલની જેમ તેઓ પણ ખૂબ ખુશ હતા અને તેમનું નવું જીવન શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ તેઓને ખ્યાલ નહોતો કે લગ્નની સાથે જ તેઓએ યુદ્ધ લડીને તેમનું નવું જીવન શરૂ કરવું પડશે. તેમના લગ્ન પછી એવી સ્થિતિ ઊભી થઈ છે કે તેઓએ તેમના દેશ માટે બંદૂક ઉપાડવી પડી.
મળતી માહિતી મુજબ સ્વ્યાટોસ્લાવ 24 વર્ષનો છે અને યારીના 21 વર્ષની છે. તેમના લગ્ન મે 2021માં જ થવાના હતા, પરંતુ કેટલાક કારણોસર આ લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા. આ પછી તેમના લગ્ન 22 ફેબ્રુઆરી 2022ના રોજ નક્કી થયા હતા. જ્યારે તેઓ સેન્ટ માઈકલ મોનેસ્ટ્રીમાં લગ્ન કરી રહ્યા હતા. ત્યારબાદ રશિયન પ્રમુખ પુતિને યુક્રેન પર હુમલાની જાહેરાત કરી. રાજધાની કિવમાં રહેતા આ યુગલને યુદ્ધના સમયે લગ્ન કરવા પડ્યા હતા.
લગ્ન બાદ તેમણે કોઈ સારી જગ્યાએ જઈને ખુશી મનાવતા કરતા પોતના દેશ માટે લડવાનું નક્કી કર્યું છે. લગ્ન થતાં જ તેમને દેશની રક્ષા કરવાનું પહેલું કામ મળ્યું. હવે આ નવવિવાહિત કપલે બંદૂક ઉપાડી છે, જેની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે. યારીનાએ તેના ફેસબુક પેજ પરથી એક તસવીર શેર કરી છે જેમાં તે અને તેનો પતિ એકે-47 હાથમાં લઈને જોવા મળે છે.
રિનાના કહેવા પ્રમાણે, યુક્રેનમાં સ્થિતિ ઘણી મુશ્કેલ છે અને લોકોના જીવ જોખમમાં છે. તેઓએ તેમના ભવિષ્ય માટે આ યુદ્ધ લડવું પડશે. જો તેઓ એક સાથે મૃત્યુ પામે તો પણ તેમને ગર્વ થશે કે તેઓએ તેમના દેશ માટે પોતાનો જીવ આપ્યો. જો કે, તેને આશા છે કે આ યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે અને તે ફરીથી સુખી જીવનની શરૂઆત કરશે.