બિપોરજોય વાવાઝોડું ગુજરાતના તટ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે કચ્છ-સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં ભારે હવા અને મંદ વરસાદ શરૂ થઈ ગયો છે. કેન્દ્ર સરકારે આ વાવાઝોડા પર નજર રાખવા માટે નવી દિલ્હીમાં વોરરૂમ બનાવ્યાં છે. બિપરજોયના કારણે ગૃહમંત્રી અમિત શાહે પોતાનાં તેલંગાણાની યાત્રા પણ રદ કરી છે. બીજી તરફ દિલ્હીમાં ગૃહમંત્રાલયથી રાહત અને બચાવકાર્ય અંગે દેખરેખ રાખવામાં આવશે. આ ચક્રવાત 15 જૂનના રોજ સાંજે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જખૌ પોર્ટની પાસે કચ્છમાં માંડવી અને પાકિસ્તાનનાં કરાંચીની વચ્ચે અથડાઈ શકે છે.
દિલ્હીમાં બનાવાયા 4 વોરરૂમ
બિપરજોય પર નજર રાખવા માટે નવી દિલ્હીમાં સ્થિત હવામાન વિભાગનાં હેડક્વોર્ટરમાં વૉરરૂમ બનાવાયો છે. આ વોરરૂમને 4 ભાગોમાં વહેંચવામાં આવ્યાં છે. પહેલો વિભાગ સેટેલાઈટ એપ્લિકેશન છે જ્યાં સેટેલાઈટની મદદથી સાયક્લોનનાં ફોટોઝ આવે છે. બીજો ભાગ છે ઓબ્ઝર્વેશન અને ટ્રેકિંગ. જ્યાં વૈજ્ઞાનિક સેટેલાઈટથી આવતાં ફોટોનું અધ્યયન કરી સાયક્લોનની મૂવમેંટને ટ્રેક કરશે. ત્રીજો ભાગ છે ફોરકાસ્ટ કે સાયક્લોન વોર્નિંગ સિસ્ટમ કે જ્યાં સાયક્લોનને લઈને તમામ પ્રકારની ભવિષ્યવાણી કરવામાં આવે છે. ચોથો વિભાગ છે ફોરકાસ્ટ ડિસેમિનેશન. અહીં સાયક્લોન સાથે જોડાયેલા તમામ ફોરકાસ્ટનો ડેટા અને બુલેટિન જાહેર કરવામાં આવે છે.
આ પણ વાંચો
ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છનાં તટીય ભાગોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર બિપરજોય ગુજરાત બાદ ઉત્તર-પૂર્વ અને દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધે તેવી શક્યતા છે. જેના કારણે 15-17 જૂન સુધી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. માછીમારોને 16 જૂન સુધી દરિયાકાંઠે ન જવા સૂચન અપાયું છે.