તાજેતરમાં જ બજારમાં આવેલ અદાણી વિલ્મર એક બાદ એક કારણોસર ચર્ચામાં જાેવ મળી રહી છે. આઈપીઓ બાદ શેરબજારમાં રોકાણકારોને શાનદાર વળતર આપ્યા બાદ હવે અદાણી વિલ્મર વધુ એક મોટું અધિગ્રહણ કરવા જઈ રહી છે. બાસમતી ચોખા અને એફએમસીજી બિઝનેસને મજબૂત કરવાના પ્રયાસના ભાગરૂપે અદાણી વિલ્મરે જાણીતી બાસમતી ચોખાની બ્રાન્ડ કોહિનૂરના હસ્તાંતરણની જાહેરાત કરી છે.
કંપનીએ મેકકોર્મિક સ્વિટ્ઝર્લેન્ડ જીએમબીએચ પાસેથી કહિનૂરનો ભારતીય કારોબાર હસ્તગત કર્યો છે. મંગળવારે કંપની એક્સચેન્જને આપેલ માહિતીમાં જણાવ્યું કે આ અધિગ્રહણ સાથે અદાણી વિલ્મરને ‘કોહિનૂર’ બાસમતી ચોખા બ્રાન્ડના તમામ અધિકારો મળશે. આ સાથે કંપનીને ભારતમાં કોહિનૂર બ્રાન્ડના નેજા હેઠળ વેચવામાં આવતા ‘રેડી ટુ કૂક’, ‘રેડી ટુ ઈટ’ કરી અને મીલ પોર્ટફોલિયોના પણ અધિકારો મળશે.
અંગશુ મલિક, અદાણી વિલ્મરના સીઈઓ અને એમડીએ આ સોદા અંગે જણાવ્યું કે અદાણી વિલ્મરના ફોર્ચ્યુન પરિવારમાં હવે કોહિનૂર બ્રાન્ડનો અમે આવકાર કરીએ છીએ. કોહિનૂર એ એક વિશ્વસનીય બ્રાન્ડ છે તે ભારતના ઓથેન્ટિક સ્વાદનું પ્રતિનિધિત્વ કરે છે. આ એક્વિઝિશન ઉંચા માર્જિનવાળા બ્રાન્ડેડ સ્ટેપલ્સ અને ફૂડ પ્રોડક્ટ્સ સેગમેન્ટમાં અમારા પોર્ટફોલિયોના વિસ્તરણ માટે અમારી વ્યૂહરચના સાથે સુસંગત છે. અમારૂં માનવું છે કે પેકેજ્ડ ફૂડ કેટેગરીમાં વૃદ્ધિ માટે હજુ ઘણો અવકાશે છે કારણ કે આ સેગમેન્ટમાં દેશમાં હજી અનેક ગણો વિકાસ બાકી છે.
આ એક્વિઝિશન ફૂડ અને એફએમસીજી કેટેગરીમાં કંપનીની લીડરશિપને વધુ મજબૂત કરશે. તાજેતરમાં જ શેરબજારમાં ડેબ્યુ કરનાર અદાણી વિલ્મર હવે હસ્તાંતરણના રસ્તે કારોબારના વિસ્તરણની યોજના પર ફોકસ વધારી રહી છે. કંપની કોહિનૂરને ખરીદવા રૂ. ૪૫૦થી ૫૦૦ કરોડમાં સોદો થવાની સંભાવના છે.