ગ્રીન ગુજરાત- ક્લીન ગુજરાતના મંત્રને સાકાર કરતું અમદાવાદનું ‘જડેશ્વર વન’, રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ

Lok Patrika
By Lok Patrika
Share this Article

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ છે. ઓઢવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ કલેક્શન સેન્ટરની નજીક ૮.૫ હેક્ટર વેસ્ટ લેન્ડ કે જ્યાં પહેલા આસપાસના વિસ્તારનો કચરો ડમ્પ કરવામાં આવતો હતો. આ ૮.૫ હેક્ટરનો પ્લોટ વન વિભાગને વૃક્ષારોપણ કરી ડેવલપ કરવા માટે ફાળવવામાં આવ્યો હતો, જ્યાં વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૯માં ‘જડેશ્વર સાંસ્કૃતિક વન’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે જડેશ્વર વન અમદાવાદ શહેર માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં નમૂનેદાર વન બન્યુ છે. સૌથી અગત્યની વાત એ પણ છે કે, વર્ષ ૨૦૧૯માં ‘જડેશ્વર સાંસ્કૃતિક વનનું નિર્માણ થયું ત્યારથી લઇને ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં અંદાજિત ૮ લાખથી વધુ વિઝટર્સે મુલાકાત લીધી છે.

આ અંગે વાત કરતા અમદાવાદના નાયબ વન સંરક્ષણ સમાજીક વનીકરણ વિભાગના જણાવ્યા અનુસાર જડેશ્વર સાંસ્કૃતિક વન એ અમદાવાદ શહેરની મધ્યમમાં વન વિભાગ દ્વારા બનાવામાં આવેલું પ્રથમ સાંસ્કૃતિક વન છે. જડેશ્વર વન દેશનું પ્રથમ એવું વન છે જેના પર વન વિભાગે પોસ્ટલ ડિપાર્ટમેન્ટની મદદથી સ્પેશિયલ કવર પણ લોન્ચ કર્યું છે.

આ સાંસ્કૃતિક વન આ વિસ્તારના લાકો માટે ફરવાનું સ્થળ બની રહે તે માટે ડમ્પિંગ યાર્ડમાંથી એસેટ બનાવવાના હેતુથી બનાવવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનમાં વાવેલા વૃક્ષો અને ફૂલછોડ થકી એક અંદાજ મુજબ ૫ વર્ષમાં ૧૪૦.૩૦ ટન અને ૧૦માં વર્ષે ૧૮૮.૪૦ ટન જેટલો કાર્બન શોષાવાનો અંદાજ છે. આમ, આ સાંસ્કૃતિક વન આ વિસ્તારના ફેફસાના રૂપે કાર્ય કરે છે સાથો-સાથ આટલી મોટી માત્રમાં આવેલા વૃક્ષો થકી આ વિસ્તારમાં પાણીનું જમીનમાં ઉતારવાની પ્રક્રિયાને વેગ મળશે.

આ પ્લોટમાં આશરે વિવિધ પ્રજાતિના વૃક્ષો તેમજ ફૂલછોડ અને અન્ય ક્ષૃપ પ્રકારની વનસ્પતિ સાથે કુલ ૨,૮૫,૯૮૬થી વધારે ફૂલછોડ અને વૃક્ષો વાવવામાં આવ્યા છે. અહિં વિવિધ ૨૨ બ્લોકમાં જુદી જુદી જાતના જુદા જુદા રંગના દરેક ઋતુમાં ફૂલો આપતાં વૃક્ષો વાવેતર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, તેનો આનંદ લેવા તેની વચ્ચે આશરે ૪.૫ કીમી લાંબા વોકિંગ ટ્રેઇલનું નિ્ર્માણ પણ કરાયું છે.

ખાસ વિશેષતાઓ :

૧ કિ.મી લાંબા વોકિંગ ટ્રેક અને જોગિંગ ટ્રેકની સુવિધા :

આ સાંસ્કૃતિક વનમાં આશરે ૧ કિ.મી લાંબા વોકિંગ ટ્રેક અને જોગિંગ ટ્રેકની સુવિધા ઊભી કરવામાં આવી છે. જ્યાં બને તરફ દર ૧૦૦ મીટર પર વિવિધ ઋતુઓમાં જુદા-જુદા રંગના ફૂલોથી શોભતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

કમળકુંડ આકર્ષણનું કેન્દ્ર :

આ જડેશ્વર વનમાં એક કમળકુંડ બનાવવામાં આવ્યું છે, જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કમળકુંડ કમળના ફૂલોથી સુશોભિત રહે છે, તેના ઉપર કમાન આકારના એક ઝુલતા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનમાં બેઠક વ્યવસ્થા માટે બે વનકુટીર બનાવવામાં આવી છે. લોકોને શહેરની વર્ષા વનનો અનુભવ માણવા માટે એક મીસ્ટ ફોરેસ્ટ પણ બનાવવામાં આવ્યુ છે, જેથી અંદર ચાલવાનો આનંદ અહી આવનાર તમામ લોકો માણી શકે.

પ્રવેશ દ્વાર પર બે એલ.ઇ.ડી. ડિસ્પ્લે :

જડેશ્વર વનના મુખ્ય પ્રવેશદ્વારની સામે એક તથા કમળકુંડ પાસે એક એમ કુલ બે એલ.ઇ.ડી. ડિસ્પ્લે મૂકવામાં આવી છે. જેના માધ્મયથી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પ્રજાજનો સુધી સહેલાઇથી પહોંચાડી શકાય છે.

વિઝટર્સ માટે એક્ટિવિટી એરિયા પણ આકર્ષણનું કેન્દ્ર :

આ વનમાં બનાવવામાં આવેલ એક્ટિવિટી એરિયા આ વિસ્તારના પ્રજાજનોને વિવિધ રચનાત્મક પ્રવૃતિ માટે એક પ્લેટફોર્મ પુરૂ પાડશે. વન વિભાગના જન જાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ અહિં કરવામાં આવે છે. મેડિટેશન કેન્દ્રમાં થતા યોગને ધ્યાનના કાર્યક્રમો થકી લોકોનું આરોગ્ય અને સુખાકારીમાં વધારો થશે.

અન્ય સુવિધાઓ : આ વનમાં આવતા વિઝટર્સ માટે અન્ય સુવિધાઓ જેમ કે પાર્કિંગ સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ સામાન્ય ટોઇલેટ્સ વગરે અહીં ઊભા કરવામાં આવ્યા છે.

૨૦૨૨ સુધીમાં રાજ્યમાં કુલ ૨૨ સાંસ્કૃતિક વનનું નિર્માણ થયુ :

દેશની વનસંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુસર ગુજરાત રાજ્યના સ્થાપના કાળથી રાજ્ય સ્તરીય વન મહોત્સવ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દર વર્ષે ઉજવાતો હતો. પરંતુ દેશના દીર્ધદૃષ્ટા વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્ય સ્તરીય વન મહોત્સવ માત્ર પાટનગરમાં જ સિમીત ન રાખતા રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધામિક દૃષ્ટિએ અગત્યતા ધરાવતા રાજ્યના જુદા જુદા સ્થળોએ ઉજવવાની શરૂઆત વર્ષ ૨૦૦૪થી કરી અને આ સાથે ઉજવણી સ્થળે સાંસ્કૃતિક વન સ્થાપનાની એક નવી પહેલ અને પરંપરા શરૂ થઇ. આ પરંપરાને આગળ લઇ જતા વર્ષ ૨૦૨૧ સુધીમાં રાજ્યમાં કુલ ૨૧ સાંસ્કૃતિક વનનો સ્થાપના કરવામાં આવી છે.

આ પણ વાંચો

આજથી 5 દિવસ સાવધાન ગુજરાતીઓ, રેઈનકોર્ટ પહેરીને જ બહાર નીકળજો, મેઘો મુશળધાર મંડાશે, જાણો નવી આગાહી

ટ્રેન દુર્ઘટનામાં રેલવેનો સૌથી મોટો અને સારો નિર્ણય, ટિકિટ વિના મુસાફરી કરનારા મુસાફરોને પણ મળશે પુરેપુરુ વળતર

VIDEO: ત્રિપલ ટ્રેન અકસ્માતના 51 કલાક બાદ ટ્રેક પર દોડી પહેલી ટ્રેન, રેલવે મંત્રીએ હાથ જોડીને વિદાય આપી

સૌ પ્રથમ ગાંધીનગર ખાતે વર્ષ ર૦૦૪માં પ્રથમ સાંસ્‍કૃતિક વનનું નિર્માણ કર્યું અને તે આજે પુનિત વન તરીકે ઓળખાય છે.

ત્યારબાદ વર્ષ ર૦૦પમાં બનાસકાંઠા જીલ્‍લાના અંબાજી ખાતે ‘‘માંગલ્‍ય વન’’, વર્ષ ર૦૦૬માં મહેસાણા જીલ્‍લાના તારંગા ખાતે ‘‘તીર્થંકર વન’’, વર્ષ ર૦૦૭માં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ‘‘હરિહર વન’’, વર્ષ ર૦૦૮માં સુરેન્‍દ્રનગર જીલ્‍લાના ચોટીલા ખાતે ‘‘ભકિત વન’’, વર્ષ ર૦૦૯માં સાબરકાંઠા જીલ્‍લાના શામળાજી ખાતે ‘‘શ્‍યામલ વન’’, વર્ષ ર૦૧૦માં ભાવનગર જીલ્‍લાના પાલીતાણા ખાતે ‘‘પાવક વન’’, વર્ષ ર૦૧૧માં વડોદરા જીલ્‍લાના પાવાગઢ ખાતે ‘‘વિરાસત વન’’, વર્ષ ર૦૧રમાં મહિસાગર જીલ્‍લાના માનગઢ ખાતે ‘ગોવિંદગુરૂ સ્‍મૃતિવન’ વર્ષ ૨૦૧૩માં દેવભૂમિ દ્વારકા જીલ્‍લાના દ્વારકા ખાતે ‘‘નાગેશ વન’’, વર્ષ ૨૦૧૪માં રાજકોટ જીલ્‍લાના કાગવડ ખાતે ‘‘શક્તિ વન’’ વર્ષ ૨૦૧૫માં નવસારી જીલ્‍લાના ભીનાર ખાતે ‘‘જાનકી વન’’, વર્ષ ૨૦૧૬માં આણંદ જિલ્લાના વહેરાખાડી ખાતે ‘‘મહિસાગર વન’’ વર્ષ ૨૦૧૬માં વલસાડ જીલ્‍લાના કપરાડા ખાતે ‘‘આમ્રવન’’, વર્ષ ૨૦૧૬માં સુરત જીલ્‍લાના બારડોલી ખાતે ‘‘એક્તા વન’’, વર્ષ ૨૦૧૬માં જામનગર જીલ્‍લાના ભૂચરમોરી ખાતે ‘‘શહીદ વન’’, વર્ષ ૨૦૧૭માં સાબરકાંઠા જીલ્‍લાના વિજયનગર ખાતે ‘‘વીરાંજલી વન’’ વર્ષ ૨૦૧૮માં કચ્છ જીલ્‍લાના ભુજ તાલુકા ખાતે ‘‘રક્ષક વન’’, વર્ષ ૨૦૧૯માં અમદાવાદના ઓઢવ ખાતે ‘‘જડેશ્વર વન’’ વર્ષ ૨૦૨૦માં રાજકોટ ખાતે ‘‘રામવન વન’’, વર્ષ ૨૦૨૧માં વલસાડ જીલ્‍લાના ઉમરગામ ખાતે ‘‘મારૂતિવંદન વન’’, વર્ષ ૨૦૨૨માં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા ખાતે ‘વટેશ્વર વન’નું નિર્માણ થયું છે.

આલેખન – ગોપાલ મેહતા, પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly